રસ્તા પરથી 10 લાખ ડૉલર મળ્યાં તો પોલીસને પરત કર્યાં!

May 21, 2020

ફ્રેડરિક્સબર્ગ : અમેરિકાના એક દંપતીને રસ્તાં પરથી ૧૦ લાખ ડૉલર (અંદાજે ૭.૫ કરોડ) ભરેલી બે બેગ મળી આવી હતી. ડેવિડ અને એમીલીએ આ રકમ રાખી લેવાને બદલે પોલીસના હવાલે કરી પ્રમાણિકતાનો પરિચય આપ્યો હતો. એમિલી અને ડેવિડ કેરોલાઈન કાઉન્ટીમાં આવેલા પોતાના ઘરેથી રસ્તાં પર લટાર મારવા નીકળ્યાં હતા. એ વખતે રસ્તાં પર બે બેગ પડેલી જોવા મળી હતી. આ બેગ કચરાની હશે એમ માનીને તેનો નીકાલ કરવા તેમણે પોતાની ગાડી ઉભી રાખી હતી. 

ગાડી ઉભી રાખીને દંપતિએ બેગ ચેક કરવાને બદલે ગાડીની ડિક્કીમાં નાખી દીધી હતી. ઘરે આવી ગયા પછી એમણે જ્યારે બેગ ખોલીને જોઈ તો તેમાંથી ૧૦ લાખ ડૉલર રોકડા નીકળ્યા હતા. દંપતિએ એ રકમ પરત કરવા માટે કાઉન્ટીના શેરીફને જાણ કરી હતી. શેરીફે તેમના ઘરે માણસો મોકલ્યા હતા, જેમણે નાણાનો કબજો લીધો હતો અને દંપતિની પ્રામાણિકતા બદલ અભિનંદન આપ્યા હતા.