300 અબજ રૂપિયા નહીં ચૂકવો તો બત્તી ગુલ કરી દેશું: ચીની કંપનીઓની પાક.ને ધમકી

May 13, 2022

ઈસ્લામાવાદ : આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને તેના ‘જીગર-જાન દોસ્ત’ ચીન જ બહુ મોટો ફટકો આપે તેમ છે. ચીનની વીજ-ઉત્પાદક કંપનીઓએ પાકિસ્તાનને ખુલ્લી ધમકી આપી છે. ૩૦૦ અબજ રૂપિયા નહીં ચૂકવાય તો તેઓ પાકિસ્તાનની બત્તી ગુલ કરી દેશે. પાક.માં કાર્યરત બે ડઝનથી વધુ ચીની કંપનીઓએ કહ્યું છે કે, જો આ મહિને તેમના બાકી રહેલા ૩૦૦ અબજ રૂપિયા ન ચૂકવાય તો તેઓ વિદ્યુત-ઉત્પાદન કેન્દ્રો બંધ કરી દેશે. 

ચીનની ૩૦ કંપનીઓ અત્યારે ‘ચાયના - પાકિસ્તાન-ઈકોનોમિક-કોરીડોર’ નીચે પાકિસ્તાનમાં કાર્યરત છે.  તેઓ પાકિસ્તાનમાં ઊર્જા, સંચાર અને રેલ્વે સહિત વિભિન્ન ક્ષેત્રોમાં કામ કરે છે.  સોમવારે આ ચીની કંપનીઓ સાથે પાકિસ્તાનના યોજના અને વિકાસ-મંત્રી અહેસાન ઈકબાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં બાકી લેણાનો પ્રશ્ન જાગ્યો ત્યારે ‘મંત્રી મહોદય’ પાસે તેનો જવાબ ન હતો. પાકિસ્તાનનું અખબાર ‘ડૉન’ જણાવે છે કે આ બેઠકમાં ચીની અધિકારીઓએ ‘વીઝા’ની જટિલ પક્રિયા, ટેક્સ વગેરે અંગે ઘણી ફરીયાદો મંત્રી સમક્ષ કરી હતી.