ઇલોન મસ્ક: વિશ્વનો સૌથી વધુ સંપત્તિવાન ચહેરો
October 30, 2021

- ઇલોન મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં 36.2 અબજ ડોલરનો વધારો થયો
- માનવી ઉપર તોળાઇ રહેલા ત્રણ જોખમોના તોડ શોધવા એ જ ઇલોન મસ્કની દરેક કંપનીનો હેતુ છે. ઇલોન મસ્કનું સપનું મંગળ ગ્રહ ઉપર માનવ વસાહત સ્થાપવાનું છે, જે માટે તેમણે એક યોજના પણ બનાવી દીધી છે
અમેરિકાના ઉદ્યોગપતિ ઇલોન મસ્કની નોંધ આજે ફરી આખી દુનિયા લઈ રહી છે. કારણ કે, હાલમાં તેની પાસે એટલી સંપત્તિ થઇ ગઇ છે જેટલી માનવ ઇતિહાસમાં આજ દિન સુધી કોઇની પાસે નહોતી. ઇલોન મસ્કની કંપની ટેસ્લાના શેરોમાં આવેલા ઉછાળાના કારણે પહેલી વખત કંપનીની કિંમત ૧૦ ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ ૭૫૦ ટ્રિલિયન રૂપિયા થઇ ગઇ છે. ટ્રિલિયન માટે ગુજરાતીમાં પરાર્ધ શબ્દ છે જેનો અર્થ થાય એકની પાછળ ૧૨ મીંડા. મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં 36.2 અબજ ડોલરનો વધારો થતાં આખી દુનિયામાં તેની નોંધ લેવાઈ છે. હકીકતમાં કાર ભાડે આપતી કંપની હર્ટ્ઝએ ટેસ્લા પાસેથી એક લાખ ઇલેક્ટ્રીક વ્હીકલ ખરીદવાની જાહેરાત કરી. તેને કારણે ટેસ્લાના શેરોમાં ઉછાળો આવ્યો. આ ડીલ થતાની સાથે જ ટેસ્લાની માર્કેટ વેલ્યુ એક ટ્રિલિયન ડોલરને પાર કરી ગઇ. આ સાથે જ ઇલોન મસ્કની સંપત્તિમાં ૩૬.૨ અબજ ડોલરનો વધારો થઇ ગયો.
ફોર્બ્સના જણાવ્યા અનુસાર મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં ૧૧.૪ ટકાનો વધારો નોંધાયો. ફોર્બ્સનું કહેવું છે કે, ઇલોન મસ્ક એટલા ધનવાન છે કે, તેની અત્યાર સુધીની યાદીમાં કોઇ વ્યક્તિ પાસે આટલી સંપત્તિ નોંધાઇ નથી. દુનિયાના સૌથી શ્રીમંત લોકોમાં છઠ્ઠા ક્રમે રહેલા ગૂગલના લેરી પેજ અને સાતમા ક્રમે રહેલા ફેસબુકના માર્ક ઝકરબર્ગની કુલ સંપત્તિ કરતા પણ ઇલોન મસ્કની સંપત્તિ વધી જાય છે. ૧૯૭૧માં દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ઇલોન મસ્ક દક્ષિણ આફ્રિકા, અમેરિકા અને કેનેડા એમ ત્રણ દેશની નાગરિકતા ધરાવે છે. તેમના માતા મોડલ હતાં અને પિતા એન્જિનિયર હતાં. જોકે ઇલોન મસ્કને તેમના પિતા પ્રત્યે ખાસ લગાવ નહોતો. ત્રણ સંતાનોમાં સૌથી મોટા એવા ઇલોનને નાનપણથી પુસ્તકો અને કમ્પ્યુટરનો શોખ હતો. ૧૯૯૫માં પીએચડી કરવા માટે તેઓ અમેરિકાની સિલિકોન વૅલી પહોંચ્યાં. જે બાદ તેમણે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એપ્લાઇડ ફિઝિક્સમાં એડમિશન લીધું. પરંતુ માત્ર બે જ દિવસ બાદ એ કોર્સ છોડી દીધો. એ વખતે તેમના નાના ભાઇ કિમ્બલ મસ્કે કવીન્સ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતુ. કિમ્બલ ઇલોનથી ૧૫ મહિના નાના છે. ગ્રેજ્યુએશન બાદ કિમ્બલ એલન પાસે કેલિફોર્નિયા આવી ગયાં. આ સમયે ઇન્ટરનેટનો યુગ શરૂ થયો હતો. બંને ભાઇઓએ મળીને એક સ્ટાર્ટઅપ શરૂ કરવાનો નિર્ણય કર્યો અને નામ રાખ્યું ઝિપ૨. આ એક ઓનલાઇન બિઝનેસ ડિરેક્ટરી હતી. જે પછી ધીમે ધીમે તેમને રોકાણકારો મળવા માંડતા કંપની પ્રગતિ કરવા માંડી, ૧૯૯૯માં તેમણે ૩૦ લાખ ડોલરમાં આ કંપની કમ્પ્યુટર કંપની કોમ્પેકને વેચી દીધી.
ત્યારબાદ ઇલોને એકલા હાથે એક્સ.કોમ નામની ઓનલાઇન ફાઇનાન્સ કંપનીની શરૃઆત કરી. આ કંપનીની ઓફિસ જે બિલ્ડીંગમાં હતી ત્યાં તેની જ એક પ્રતિસ્પર્ધી કંપની ખુલી જેનું નામ કોનફિનિટી હતું. જોકે માર્ચ ૨૦૦૦માં બંને કંપની મર્જ થઇ ગઇ અને આજે તે પેપલ નામે જાણીતી છે. ઓક્ટોબર ૨૦૦૨માં ઇબે નામની કંપનીએ દોઢ અબજ ડોલરના શેરના બદલે પેપલને જ ખરીદી લીધી. પેપલ છોડયા બાદ ઇલોન મસ્કે બીજી ઘણી કંપનીઓ ઊભી કરી. એમાંની બે સ્પેસએક્સ અને ટેસ્લા મોટર્સ. આ બંને કંપનીઓમાં ઈલોને પોતાની તમામ મુડીનું રોકાણ કરી દીધુ. બદલાતી જતી દુનિયામાં હવે ખાનગી કંપનીઓ પણ અવકાશયાત્રામાં ઘણો રસ લઇ રહી છે. અમેરિકાની કંપની સ્પેસએક્સ આ રેસમાં સૌથી આગળ છે. ઇલોન મસ્કની દરેક કંપનીનો હેતુ એક જ છે અને એ છે માનવી પર તોળાઇ રહેલા ત્રણ જોખમોનુ કાયમી નિરાકરણ આવે તે માટે પ્રયાસો કરવા.
મસ્કનું માનવુ છે કે, જેમ જેમ મશીનોનો ઉપયોગ દરેક સેકટરમાં વધી રહ્યો છે. તેમ તેમ માણસોની ઉપયોગીતા ઘટી રહી છે. ટેસ્લા મોટર્સ, સોલર સિટી અને ધ બોરિંગ કંપની ઉર્જાના સ્વચ્છ વિકલ્પોનો ઉપયોગ કરીને ક્લાયમેટ ચેન્જ સામે લડવાની પ્રયાસ કરી રહી છે. ઇલોન મસ્કનું માનવું છે કે, જો માણસો એક જ ગ્રહ પર વસવાટ કરવા સુધી સીમિત રહ્યાં તો તેઓ પોતાનું અસ્તિત્ત્વ બચાવી નહીં શકે. ક્યારેકને ક્યારેક તો કોઇ માનવસર્જિત કે કુદરતી આફત આવશે જે માનવજાતના અસ્તિત્ત્વને જોખમમાં મૂકી દેશે. ગમે તે ઘડીએ કોઇ એસ્ટેરોઇડ પૃથ્વી સાથે અથડાઇને વિનાશ નોતરી શકે છે. એટલા માટે તેમણે પૃથ્વી સિવાયના રહેવાલાયક ગ્રહ શોધવા માટે સ્પેસએક્સની શરૂઆત કરી છે. તેઓ રોકેટ ડિઝાઇન કરતા શીખ્યાં અને આજે તેઓ સ્પેસએક્સના માત્ર સીઇઓ જ નહીં, ચીફ ટેકનોલોજી ઓફિસર બનવા સુધીની સફર ખેડી ચૂક્યા છે. ઇલોન મસ્કનું સપનું મંગળ ગ્રહ ઉપર માનવ વસાહત સ્થાપવાનું છે. એ માટે તેમણે એક યોજના પણ બનાવી દીધી છે. મસ્ક પોતાની આ યોજના બે વર્ષ અગાઉ ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ કોંગ્રેસમાં જાહેર કરી ચૂક્યા છે. મસ્કની યોજના અનુસાર મંગળ ગ્રહ સુધી પહોંચવા માટે તેઓ એક અતિ વિશાળ સ્પેસક્રાફ્ટ બનાવશે. જેમાં એક સાથે ૧૦૦ જણાને લઇ જઇ શકાય. આવું મોટું સ્પેસક્રાફ્ટ બનાવવાનો ફાયદો એ થશે કે, મંગળ સુધી પહોંચવા માટે વ્યક્તિદીઠ એક લાખ ડોલર જેટલો ખર્ચ આવશે એવું મસ્કનુ અનુમાન છે. મસ્કને આશા છે કે, તે આપણા જીવનકાળ દરમિયાન જ મંગળ ઉપર આવું એક રોકેટ મોકલવામાં સફળ નીવડશે. તેમની અપેક્ષા અનુસાર ૨૦૨૪ સુધીમાં પહેલું સમાનવ મંગળ મિશન કરોડો કિલોમીટરની યાત્રાએ રવાના થઇ જશે. મંગળ ગ્રહની સમાનવ યાત્રા યોજાય એ પહેલા સ્પેસએક્સ એક માનવરહિત કાર્ગો મિશન મંગળ રવાના કરશે જે મંગળ ગ્રહ ઉપર અમુક સામાન પહોંચાડશે.
જોકે મસ્કના મતે આ પહેલી સમાનવ મંગળ યાત્રા ભારે ખતરનાક હશે અને એમાં મોતનો ડર સૌથી વધારે હશે. હકીકતમાં તો આ પહેલા મિશન ઉપર જનારા લોકોએ મોતનો સામનો કરવા પણ તૈયાર રહેવાની જરૂર પડશે. મસ્ક તો સ્પેસક્રાફ્ટમાં રેસ્ટોરન્ટ, કેબિન, ગેમ્સ અને સિનેમા જેવી સગવડો પણ ઊભી કરવા માંગે છે. તેમના મતે આટલી લાંબી મુસાફરી બોરિંગ ન બની જાય એટલા માટે આવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જો કે સમાનવ મંગળ યાત્રા સફળ બનાવવા માટે બહુ મોટી સરકારી અને ખાનગી મદદની જરૂર પડશે. હાલ તો મસ્કની આ યોજનામાં કોઇ સરકારી મદદ મળી નથી. સ્પેસએક્સનું પહેલું મિશન ઘણું વધારે મોંઘું પડશે. પરંતુ મસ્કની એ કોશિશ રહેશે કે મંગળ ઉપર જવા માંગતા લોકોને એ પરવડે. જોકે ઘણાં જાણકારો ઇલોન મસ્કના આ સપનાને દીવાસ્વપ્ન જ માની રહ્યાં છે.
હાલ કોરોના સંકટ વચ્ચે પણ સ્પેસએક્સના મિશન એક પછી એક ચાલુ છે. જેના દ્વારા ઇલોન મસ્ક એ સાબિત કરવા માંગે છે કે, ગમે તેવી ઉથલપાથલ આવે, પરંતુ તેમનું કામ નહીં અટકે. આમ પણ માનવીની દુનિયા અટકી ન જાય, એટલા માટે જ એલન મસ્ક દિવસરાત કામ કરે છે. ઇલોન મસ્ક પાસે અનેક યુક્તિઓ છે. પરંતુ તેમની સાથે કામ કરી ચૂકેલાં લોકોનું કહેવું છે કે, તેમની સાથે કામ કરવું અત્યંત મુશ્કેલ છે. તેઓ પોતે અઠવાડિયાના ૮૦ કલાક કામ કરે છે અને બીજા લોકો પાસેથી પણ એ પ્રકારે જ કામની અપેક્ષા રાખે છે. કામમાં મશગુલ હોય ત્યારે તેઓ નાની અમથી વાતમાં પણ ગુસ્સે થઇ જાય છે. ટ્વીટર પર તેમના આ મિજાજનો પરચો ઘણાંને મળી ચૂક્યો છે. ઘણી વખત તો તેઓ એવા ટ્વીટ કરે છે કે બાદમાં તેમણે માફી પણ માંગવી પડે છે.
Related Articles
લાઈકા: અવકાશ મિશને ગયેલું સૌ પ્રથમ પ્રાણી શ્વાન
લાઈકા: અવકાશ મિશને ગયેલું સૌ પ્રથમ પ્રાણ...
May 01, 2023
સોનાલીની હત્યાઃ કારણોના વમળમાં ઘૂંટાતુ રહસ્ય
સોનાલીની હત્યાઃ કારણોના વમળમાં ઘૂંટાતુ ર...
Sep 03, 2022
ઝવાહિરીનો ખાત્મો : નાઈન ઈલેવનના મૃતકોનું તર્પણ
ઝવાહિરીનો ખાત્મો : નાઈન ઈલેવનના મૃતકોનું...
Aug 06, 2022
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023