કેનેડામાં પહેલો નેશનલ વેકસીન ઈન્જરી કોમ્પેન્સેશન પ્રોગ્રામ અમલમાં

June 08, 2021

  • વેકસીનને કારણે ગંભીર આડઅસર થઈ હોય તેવા લોકોને વળતર આપવામાં આવશે
  • ર૧મી મે સુધી વેકસીનની આડઅસરના પ,૯૮૯ કિસ્સાઓ નોંધાયા 
ટોરોન્ટો : ડીસેમ્બર ર૦ર૦માં કેનેડાએ નેશનલ વેકસીન ઈન્જરી કોમ્પેન્સેશન પ્રોગ્રામ જાહેર કર્યો હતો. એનો અમલ સત્તાવાર રીતે મંગળવારે શરૂ થયો છે. જેનાથી જે કેનેડીયનને વેકસીનને કારણે ગંભીર આડઅસર થઈ હોય, તેમને સરકાર તરફથી વળતર મળી શકશે. વેકસીન ઈન્જરી સપોર્ટ પ્રોગ્રામની જાહેરાત ડો. થેરેસા ટેમે એક નિવેદન કરતા કરી હતી. જેનાથી જેમને ૮મી ડીસેમ્બર, ર૦ર૦ કે એ પછી અપાયેલી હેલ્થ કેનેડાની અધિકૃત વેકસીનને કારણે જેમને ગંભીર અને કાયમી અસર પહોંચી હોય તેમને આર્થિક વળતર મળી શકશે. 
આ યોજનામાં લાભાર્થીને લાભ આપવા પહેલાં કેનેડામાં કંઈ જગ્યાએ વેકસીન અપાઈ હતી, કયા પ્રાંત કે વિસ્તારમાં વેકસીનેશન થયું, વેકસીનેશનની તારીખ કઈ છે અને વેકસીનેશનને કારણે કોઈ કાયમી કે ગંભીર ઈજા થઈ છે કે એનાથી મૃત્યુ થયું છે તે બધી બાબતોને ધ્યાનમાં લેવાશે.પબ્લીક હેલ્થ એજન્સી ઓફ કેનેડા (પીએચએસી)ના જણાવ્યા મુજબ આ વળતર એવા લોકોના વારસોને પણ મળશે જેમના સ્વજનનું વેકસીન ઈન્જરીને કારણે મૃત્યુ થયું હોય. આ વળતર આવકના અન્ય સ્રોતના રૂપમાં પણ હશે. આ ઉપરાંત મૃતકોની અંતિમક્રિયા અને યોગ્ય તબીબી સારવારનો ખર્ચ પણ મળશે. 
વળતરની રકમ દરેક કેસમાં મુજબ જુદી જુદી હોઈ શકે છે અને એનો અમલ ઈજા કે મૃત્યુની તારીખથી ગણાશે. ઈજાનો પ્રકાર દર્દીને થયેલી આડઅસર અને જીવનને ઉભો થયેલો ખતરો પીએચએસીના ધારાધોરણો મુજબના હશે. આ જાહેરાતનો અમલ હવે પછી થનારા તમામ વેકસીનેશન માટે પણ હશે. આ યોજનાની પ્રાથમિક જાહેરાત ડિસેમ્બર ર૦ર૦માં થઈ હતી અને કોવિડ-૧૯ના વેકસીનેશનથી સંભવિત આડઅસરો વિશે નિષ્ણાંતોએ વ્યકત કરેલી ચિંતાઓને કારણે આ પગલું લેવાયું છે. ર૧મી મે સુધી વેકસીનની આડઅસરના પ,૯૮૯ કિસ્સાઓ નોંધાયા હતા. જે વેકસીનેશનના કુલ ડોઝના ૦.૦ર૯ ટકા હતા. એ પૈકી બે ડઝનથી વધુ કેસ વીઆઈટીટી સંબંધિત હતા. અન્ય ૧૪ કેસની હજુ તપાસ ચાલી રહી છે.