ઇમરાન ખાને ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો

January 11, 2021

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનએ રવિવારના રોજ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સ્પેશ્યલ દરજ્જો (આર્ટિકલ 370) જ્યાં સુધી પાછો નહીં આવે ત્યાં સુધી ભારત સાથે કોઇપણ વાતચીત શકય જ નથી. ઇસ્લામાબાદમાં ડિજિટલ મીડિયાના પ્રતિનિધિઓની સાથે વાતચીત દરમ્યાન ભારતની સાથે વાર્તાની સંભાવનાઓને લઇ પૂછવામાં આવેલા એક પ્રશ્ન પર ખાને આ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરનો સ્પેશ્યલ દરજ્જો ફરીથી સ્થાપિત ના થાય ત્યાં સુધી ભારતની સાથે વાતચીત શકય નથી. તેમણે દાવો કર્યો કે ભારતને છોડીને આપણો કોઇની સાથે દુશ્મનાવટભર્યો સંબંધ નથી. પાકિસ્તાનને અસ્થિર કરવાની કોશિષ કરી રહ્યું છે ભારત. ભારત આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટપણે બતાવી ચૂકયા છે કે જમ્મુ-કાશ્મીરથી કલમ-370ના મોટાભાગની જોગવાઇઓને ખત્મ કરવી તેમનો આંતરિક મામલો છે. ભારત પહેલાં જ પાકિસ્તાનને વાસ્તવિકતા સ્વીકાર કરવાનું અને ભારત વિરોધી તમામ જુઠ્ઠા પ્રપંચોથી દૂર રહેવાનું કહી ચૂકયા છે. ઉલ્લેખનીય છે કે ઇમરાન આની પહેલાં પણ કેટલીય વખત કાશ્મીરનું નામ લેતા ભારત પર કેટલાંય આરોપ લગાવી ચૂકયા છે. ગયા વર્ષે તેમણે કહ્યું હતું કે વર્ષ 2018માં પીએમ બન્યા બાદ મેં ભારતને શાંતિનો પ્રસ્તાવ આપ્યો હતો. સાથો સાથ ભારતીય નેતૃત્વને કહ્યું હતું કે જો તેઓ શાંતિની તરફ એક પગલું ભરશે તો પાકિસ્તાન બે પગલાં ભરશે.