ઓન્ટેરિયોમાં 2022માં ડેરી ઉત્પાદનોના ભાવોમાં વધારો ઝીંકાશે

January 04, 2022

  • કાચા માલની તંગીને કારણે પડતર કિંમત જ વધવા માંડી 
ઓન્ટેરિયો : અનાજ કરિયાણાની જેમ વર્ષ 2022માં દૂધ, ચીઝ, યોગર્ટ અને માખણના ભાવ પણ વધવાની સંભાવના વધી છે. આવા ઉત્પાદનોમાં ભારે ભાવ વધારો થવાનું મુખ્ય કારણ કાચા માલની તંગી હોવાનું જણાય છે. આ ભાવ વધારો ફેબ્રુઆરીથી અમલમાં આવશે. ધ કેનેડિયન ડેરી કમિશને કાચા માલના ભાવમાં 8.4%નો વધારો સૂચવ્યો છે. એટલે કે, દરેક ઉત્પાદન પર 6 સેન્ટ્સથી વધુ રકમનો વધારો લાદવામાં આવશે. પ્રતિ લિટરે થઇ રહ્યો આ વધારો ફેબ્રુઆરીથી અમલમાં આવશે અને એ દરમિયાન પેકેજ્ડ તથા તૈયાર આઇટમો કરિયાણાની દુકાનોમાંથી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સ્ટોર્સ દ્વારા પણ તેમના કમિશનમાં વધારો કરતા ડેરી ઉત્પાદોના ભાવ વધુ ઊંચા જશે.
કમિશન જણાવે છે કે, પ્રોસેસર્સને આ ભાવ વધારો ભોગવવો પડશે. તેથી સામાન્ય લોકો પર તેની અસર ઓછી થશે. કોવિડ-19 મહા-રોગચાળાને કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. ઓન્ટેરિયોમાં 3500 ડેરી ફાર્મ છે અને 75 પ્રોસેસિંગ પ્લાન્ટ્સ છે, જે દૂધને પૅસ્ચુરાઈઝ કરી પેક કરે છે. માખણ, યોગર્ટ અને ચીઝનું વેંચાણ પણ છૂટક વેપારી દ્વારા કરવામાં આવે છે. બોની ડેનહાન અને તેનો પરિવાર હાનવ્યુ ફાર્મ અને શેલ્ડોન ક્રીક ડેરીનું સંચાલન કરે છે. તેઓ તેમનો વ્યવસાય સિમકો કાઉન્ટીમાં ચલાવે છે. તે ઓન્ટેરિયો, વેલીંગટન, ડફરીન, પીલ અને તેના પોતાના ગામ સિમકોના ડેરી ફાર્મરસનું પ્રતિનિધિત્વ કરે છે. તે જણાવે છે કે, અમારા કામકાજ ચલાવવાનો ખર્ચ પણ વધ્યો છે. અમે માત્ર દૂધનું ઉત્પાદન કરીને નુકસાની વેઠી શકીએ નહિ. જો એમ કરવા જઈએ તો અમારે અમારો ધંધો બંધ કરવો પડે. કાચા માલના ભાવ વધે એટલે છેવાડાના ઉત્પાદનોના ભાવ વધે તે સ્વાભાવિક છે.
તે જણાવે છે કે દૂધના છૂટક ભાવો અનાજ કરિયાણાના સ્ટોર્સે વધારી દીધા છે અને તેમણે 10% જેટલો ભારે ભાવ વધારો ઝીંક્યો છે અને ડેરી ઉત્પાદનો માખણ, ચીઝ અને યોગર્ટના ભાવોમાં 15%નો ભાવ વધારો થયો છે. ચાર્લી બોટ્સ કહે છે કે, ચાલુ વર્ષે તમારા ડિનરમાં ડેરી ઉત્પાદનો હોય તો તે તમારા માટે આનંદની વાત છે. પરંતુ આગામી વર્ષમાં તે આનંદ ટકી નહિ શકે. કારણ કે, આગામી વર્ષમાં આ ઉત્પાદનો મોંઘા થવાના છે.