60 વર્ષમાં ગુજરાત રાજ્યના બજેટનું કદ રૂ. 114.92 કરોડથી વધીને 2.17 લાખ કરોડનું થયું

March 03, 2021

અમદાવાદ : આજે 3 માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું 77મું બજેટ રજૂ થશે; ત્યારે દિવ્ય ભાસ્કર બજેટને લગતી રસપ્રદ બાબતો વાચકો સમક્ષ રજૂ કરી રહ્યું છે. રાજ્યની સ્થાપના થઈ એ વર્ષે એટલે કે નાણાકીય વર્ષ 1960-61માં ગુજરાતનું પહેલું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. વીતેલાં 60 વર્ષમાં ગુજરાત વિધાનસભામાં 76 બજેટ રજૂ થઈ ચૂક્યાં છે.

ગુજરાત રાજ્યનું પહેલું બજેટ 22 સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. સરકારની બજેટની મોબાઇલ એપમાં આપેલી માહિતી મુજબ, રાજ્યના પહેલા બજેટનું કદ રૂ. 114.92 કરોડ (રૂ. 1,14,92,86,000) અને 26 ફેબ્રુઆરી 2020માં રજૂ થયેલા બજેટનું કદ રૂ. 2.17 લાખ કરોડ (રૂ. 2,17,287 કરોડ) હતું. ટકાવારીની રીતે જોઈએ તો 60 વર્ષમાં અંદાજપત્રનું કદ 1.89 લાખ ટકા વધ્યું છે.

ગુજરાતમાં 76 બજેટ રજૂ થયાં છે અને એમાંથી 18 બજેટ નાણામંત્રી તરીકે વજુભાઈ વાળાએ રજૂ કર્યાં છે. વજુભાઈ હાલ કર્ણાટકના રાજ્યપાલ છે. ગુજરાતમાં વજુભાઈ તેમની રમૂજવૃત્તિ અને જ્યારે તેઓ કાઠિયાવાડી લઢણ (ભાષા)માં બજેટ રજૂ કરતાં તો આખો માહોલ હળવો થઈ જતો અને વિપક્ષના નેતાઓ પણ એની મજા લેતા હતા.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આજે બુધવારે 77મું બજેટ રજૂ કરશે. નાણામંત્રી તરીકે નીતિન પટેલે 8 બજેટ રજૂ કર્યાં છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે, જેના માટે સરકારે મોબાઇલ એપ્લિકેશન  પણ લોન્ચ કરી છે.