અમદાવાદ શહેર-જિલ્લામાં વાવાઝોડાનો કરંટ શરૂ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વૃક્ષો પડ્યા, છાપરા ઉડ્યાં, એરપોર્ટ બંધ

May 18, 2021

અમદાવાદ : અમદાવાદ શહેર અને જિલ્લામાં તાઉ’તે વાવાઝોડાની સંભવિત અસરોના કારણે આગામી 6થી 8 કલાક મહત્વના છે. શહેરમાં અત્યારે 38 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. મ્યુનિસિપલ મુકેશકુમારે અને જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ અમદાવાદીઓ અને જિલ્લાના લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. શહેરમાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સતત પવનની ગતિ વધી રહી છે. જેના પગલે ઝાડ ધરાશાયી તેમજ કેટલાક વિસ્તારોમાં છાપરા ઉડ્યાની ઘટના બની છે. અમદાવાદ કલેક્ટરના જણાવ્યા મુજબ 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

* અમદાવાદ શહેરના મધ્ય વિસ્તારમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે
* વાવાઝોડાના કારણે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન ના પતરા ઉડી ગયા
* એરપોર્ટ સર્કલથી શાહીબાગ સુધીના રોડ પર ઝાડ પડતા અડધો રસ્તો બંધ થયો
* અમદાવાદ એરપોર્ટને સાંજે 7.30 વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યું
* રિવર ફ્રન્ટ પર અનેક ઝાડ પાડ્યા અને ઠેર ઠેર પાણી ભરાયાં
* બાપુનગર, અસારવા, શાહીબાગ, રખિયાલમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં

અમદાવાદ કલેકટર સંદિપ સાગલેએ જણાવ્યું હતું કે, આગામી 6 થી આઠ કલાક અમદાવાદ જિલ્લા માટે મહત્વના છે. અમદાવાદના લોકોને અપીલ કે ઘરની બહાર ન નીકળે. ભારે પવન અને વરસાદ થશે. માંડલ, ધોલેરા, ધંધુકા, વિરમગામમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 2 NDRF ટીમ છે, ધોલેરા અને ધંધુકામાં સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે. 35 જેટલા શેલ્ટર હોમની વ્યવસ્થા છે જેમાં લોકોને સ્થળાંતર કર્યા છે. કોવિડ હોસ્પિટલમાં તકલીફ ન પડે માટે PGVCL જાણ કરી છે. 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

વાવાઝોડાની સંભવિત અસરો દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સજ્જ છે. જિલ્લાના ધોલેરા, ઘંઘૂકા, સાણંદ, વિરમગામ, બાવળા, દસક્રોઇ અને ધોળકા તાલુકાના સંભવિત અસરગ્રસ્ત ગામોના 4654 લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હોવાનું અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું છે.

અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કાર્યરત કરવામાં આવેલા કુલ 321 આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના 3046 વ્યક્તિઓ, ધંધૂકા તાલુકાના 1123, સાણંદના 8, વિરમગામના 231 અને ધોળકા તાલુકાના 192 અને દશક્રોઇ તાલુકાના 100 લોકોને સલામતીપૂર્વક આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજનનો પુરવઠો અવિરત મળી રહે તે માટે સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.આ આયોજનના ભાગરૂપે જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજનનો બફર સ્ટોક રાખવામાં આવ્યો છે.