અમદાવાદમાં માસ્ક વગરના લોકો પાસેથી પોલીસે ₹૫.૧૩ કરોડનો દંડ વસૂલ્યો

September 20, 2020

અમદાવાદ: રાજ્યમાં અમદાવાદ સહિત અનેક જગ્યાએ કેસો વધી રહ્યા છે. લોકડાઉન બાદ વડા પ્રધાન મોદીએ લોકોને માસ્ક પહેરવા અપીલ કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈનમાં પણ માસ્ક પહેરવાનું ફરજિયાત હોવા છતાં જાહેરમાં માસ્ક પહેરવામાં અમદાવાદીઓ બેદરકાર છે. છેલ્લા ત્રણ મહિનામાં શહેર પોલીસે ૧.૮૨ લાખ જેટલા અમદાવાદીઓ પાસેથી રૂ.૫.૧૩ કરોડનો દંડ વસૂલ કર્યો છે, જેમાં સૌથી વધુ ૧.૧૬ કરોડનો દંડ તો માત્ર ટ્રાફિક-પોલીસે જ વસૂલ કર્યો છે. અમદાવાદમાં રોજ સરેરાશ ૨૦૦ લોકો માસ્ક વગર પોલીસના હાથે ઝડપાય છે.

સરખેજ વિસ્તારમાં સૌથી વધુ ૫૨૧૫ લોકો માસ્ક વગર ફરતા ઝડપાયા છે, જેમની પાસેથી પોલીસે ૧૩ લાખથી વધુનો દંડ વસૂલ કર્યો છે.શહેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, જાહેરમાં માસ્ક ન પહેરવા અને થૂંકવા બદલ દંડ વસૂલવાની સત્તા પોલીસને આપ્યા બાદ રૂ. ૨૦૦થી હવે ૧૦૦૦નો દંડ વસૂલવામાં આવી રહ્યો છે, ત્યારે રોજના ૨૦૦ જેટલા લોકો માસ્ક વગર ઝડપાયા છે, જેમાં સૌથી વધુ દંડ નરોડા, સરદારનગર, એરપોર્ટ, કૃષ્ણનગર, મેઘાણીનગર, શાહીબાગ અને દરિયાપુર વિસ્તારમાં વસૂલવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ૩૦ હજાર લોકો પાસેથી પોલીસે છેલ્લા ત્રણ મહિનામાં અત્યારસુધીમાં કુલ ૧૦-૧૦ લાખ રૂપિયા ઉપરનો દંડ પોલીસે વસૂલ્યો છે.