અંબાજીમાં મહાસુદ પૂનમે એક લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા

February 10, 2020

- દર્શન માટે વહેલી સવારથી લાંબી લાઈનો લાગી


અંબાજી- અંબાજીમાં મહાસુદ પૂનમ અને રવિવાર એક સાથે હોઈ દર્શન માટે વહેલી સવારથી જ લાંબી લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હોવાથી યાત્રિકો સરળતાથી દર્શન કરી શકતા હતા.
આજે મહાસુદ પૂનમ હોઈ અને રવિવારની જાહેર રજા હોઈ યાત્રિકોનો સવારથી ભારે ધસારો જોવા મળતો હતો. યાત્રાધામ અંબાજીમાં છેલ્લા કેટલાક દિવસોથી ભેજ, ઠંડા પવનોથી ગાત્રો થીજવી નાખતી ઠંડી હોવા છતાં યાત્રિકોની સંખ્યામાં કોઈ ફેર પડવા પામ્યો ન હતો.

આજે પણ સવારે કડકડતી ઠંડી હોવા છતાંય વહેલી સવારથી માઈ ભક્તો પરિવાર સાથે જગત જનની માં અંબાના દર્શન માટે લાઈનોમાં ઉભા રહેલા જોવા મળતા હતા. આ ઉપરાંત કેટલાક પગપાળા આવતા સંઘો દ્વારા વહેલી સવારથી જ માં ના શિખરે લાલ ધજાઓ ચઢાવવામાં આવી હતી. આ પૂનમનું પણ વિશેષ મહત્વ હોઈ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શન તથા પ્રસાદી માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના કારણે યાત્રિકો સરળતાથી દર્શન કરી ધન્યતા અનુભવતા હતા. આ ઉપરાંત આજે મંદિરને સંપુર્ણ સુવર્ણમય બનાવવાની સુવર્ણમય યોજનાના ભાગ અંતર્ગત ત્રણ તોલાથી વધુ સોનાનું દાન તથા ૧૯૩ ગ્રામ ચાંદી માતાજીને ભેટ ધરાવી હતી તેમ મંદિર ઈન્સ્પેક્ટર સતિષભાઈ ગઢવીએ જણાવ્યું હતું. આ ઉપરાંત મંદિર સંચાલિત અંબિકા ભોજનાલયમાં હજારો યાત્રિકોએ ભોજનરૃપી માતાજીનો પ્રસાદ આરોગવાનો લ્હાવો લીધો હતો અને ધન્યતા અનુભવી હતી તથા હાઈવે પર દબાણોનો રાફડો હોઈ ટ્રાફિકની ગંભીર સમસ્યા જોવા મળતી હતી. જેનો ઉકેલ લાવવો તંત્ર માટે અતિ જરૃરી બન્યો છે.