ભાવનગરમાં 3 મહિનામાં કોલેરાના 400 દર્દીઓ નોંધાયા, રોગચાળાએ ઉંચકયુ માથું

September 04, 2024

ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે,રોગચાળો એ હદે વકર્યો કે 3 મહિનામાં કોલેરાના 400 દર્દીઓ નોંધાયા છે.સાથે સાથે ડેન્ગ્યૂ, ટાઇફોઈડ, મેલેરિયાના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે.ડેન્ગ્યૂના 58, મેલેરિયાના 12 દર્દીઓ નોંધાયા છે તો ટાઇફોઈડના 54, ઝાડા-ઉલ્ટીના 2651 કેસ નોંધાયા છે.

ચોમાસાની પરિસ્થિતિમાં પાણી અને મચ્છરજન્ય બીમારીનો રાફડો ફાટયો છે.શહેર અને જિલ્લામાં કોલેરાએ ભરડો લીધો છે.ત્રણ માસમાં કોલેરાના 400 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે શહેરમાં ગંદકી જોવા મળે છે તેમજ ખાડામાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે.પાણી ભરાવાના કારણે તેમાંથી મચ્છરો ઉપદ્રવે છે,શહેરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તો રોગચાળો વકરે નહી.

બીજી તરફ વાત કરવામાં આવે તો ચાલુ માસમાં ઝાડા ઉલટીના 382 કેસ,કમળાના 178 કેસ,ટાઇફોઇડનાં 304 કેસ,કોલેરાનાં 16 કેસ નોંધાયા છે.વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે.

પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.