ભાવનગરમાં લમ્પીથી વધુ 14 પશુના મોતથી આંક 88

August 05, 2022

ભાવનગરમાં લમ્પીનો પગપેસારો વધી રહ્યો છે, આજે વધુ 131 કેસ વધવા સાથે 14 પશુઓના મોત નિપજતા મોતની સંખ્યા 88એ પહોંચી ચૂકી છે. લમ્પીના કેસમાં સતત વધારો થવાના પગલે પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભાવનગર જિલ્લાના 10 પૈકીના 9 તાલુકાઓમાં લમ્પીનું સંક્રમણ છે. આજે વધુ 39 ગામોમાં સંક્રમણ ધ્યાન ઉપર આવ્યુ છે. મોતની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, તો બીજી બાજુ સંક્રમણ નિયંત્રણ કરવા દેશ ઉપચાર ચાલી રહ્યા છે. તંત્ર દ્વારા રસીકરણ પણ ચાલુ છે, આજે 19,713 પશુઓને રસી આપવામાં આવી હતી, જેથી રસીકરણની સંખ્યા 1,02,881 પહોંચી છે.

પશુપાલકો ચિંતામાં મૂકાઈ ગયા છે, રોજબરોજ પશુઓ બિમાર પડવા સાથે મોતના મુખમા ધકેલાઈ રહ્યા છે, વધુ સંખ્યામાં પશુ રાખતા પશુપાલકો દેશી ઉપચાર કરવા મથામણ કરી રહ્યા છે. તંત્ર રસીકરણ વધારવા દોડધામ કરી રહ્યુ છે. કોઈ પણ સંજોગોમાં લમ્પી નિયંત્રણમાં આવે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે.