કેનેડામાં પટેલ પરિવારનું થીજી જતાં મોત થતાં કલોલનું ગામ શોકમાં ગરકાવ, મૃતકોને શ્રદ્ધાંજલિ આપી ગામે બંધ પાળ્યો

January 29, 2022

ગાંધીનગર  : ગાંધીનગર જિલ્લાના ડીંગુચા ગામના 4 લોકોના અમેરિકા- કેનેડા બોર્ડર પર થયેલા અપમૃત્યુનાં ઘેરા પ્રત્યાઘાત ગામમાં પડ્યા છે. ગામમાં ગમગીનીનો માહોલ વચ્ચે પટેલ પરિવારનાં દુઃખમાં સહભાગી થવાનાં આશય સાથે આજે સામૂહિક રીતે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે ગામમાં નિરવ શાંતિ પ્રસરી ગઈ છે.

કેનેડા યુએસ બોર્ડર પર માઈનસ 35 ડિગ્રી તાપમાન વચ્ચે ગાંધીનગરના કલોલ ડીંગુચાના જગદીશ પટેલ તેમના પત્ની વૈશાલી બે બાળકો વીહંગા અને ધાર્મિકને લઈને અમેરિકાની બોર્ડર ક્રોસ કરવા નિકળ્યા હતા.

આ દરમિયાન ભારે હિમ વર્ષા શરૂ થવાના કારણે પટેલ પરિવાર ગ્રુપના અન્ય લોકો સાથેથી વિખૂટા પડી ગયા હતા. અચાનક ભારે હિમ વર્ષા શરૂ થવાના કારણે પટેલ પરિવારના ચારેય સભ્યો બરફની ચાદર નીચે દટાઈ ગયા હતા. જેમના શબ ત્યાંની બોર્ડર સિકયુરિટી પોલીસને મળી આવતાં માનવ તસ્કરીનું રેકેટ બહાર આવી ગયું છે.

આ સમાચાર ઈન્ટરનેશનલ મીડિયામાં પ્રસિદ્ધ થતાં દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પટેલ પરિવાર સાથે સર્જાયેલી કરુણાંતિકાથી આખો દેશ સ્તબ્ધ થઈ ગયો છે. ત્યારે ગાંધીનગર કલોલના ડિંગુચા ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. ગામની ચાર વ્યક્તિઓના અકાળે અવસાન થતાં ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.