પાંચ વર્ષમાં માલ્યા અને મેહુલ ચોક્સી સહિત ૩૮ આર્થિક અપરાધી દેશમાંથી ભાગી છૂટયા

September 16, 2020

નવી દિલ્હી: છેલ્લા પાંચ વર્ષમાં દેશમાંથી વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદી સહિત ૩૮ આર્થિક ગુનેગારો દેશ છોડીને ભાગી ગયા છે. કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં જણાવ્યું હતું કે ૩૮ આર્થિક ગુનેગારો ૧ જાન્યુઆરી ૨૦૧૫થી ૧૨ ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન દેશમાંથી ફરાર થઇ ગયા હતા. 
તેમાંથી ૨૦ સામે રેડકોર્નર નોટિસ માટે ઇન્ટરપોલની મદદ મગાઇ છે. ૧૪ શખ્સોના પ્રત્યાર્પણ માટે બીજા દેશોનો સંપર્ક કર્યો છે. ૧૧ લોકોની વિરુદ્ધ ભાગેડુ આર્થિક અપરાધી કાયદા ૨૦૧૮ હેઠળ કાર્યવાહી શરૂ કરાઇ છે.  ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ એસોસિયેશનના રિપોર્ટમાં જણાવાયું હતું કે કુલ ૨૪૨૬ ડિફોલ્ટરો પર ૧.૪૭ લાખ કરોડ રૂપિયાની રકમ બાકી છે. સૌથી વધુ મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સ પર પંજાબ નેશનલ બેન્કના ૪૬૪૪ કરોડ રૂપિયા બાકી પેટે છે.   
જતિન મહેતાની કંપની વિનસમ ડાયમન્ડસ એન્ડ જ્વેલરી પર સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ૧૩૯૦ કરોડ રૂપિયા બાકી છે. આ કંપની પર નેશનલ બેન્કના ૯૮૪ કરોડ અને કેનેરા બેન્કના ૬૩૬ કરોડ રૂપિયા બાકી છે. જ્યારે એબીજી શિપયાર્ડ ઉપર એસબીઆઇના ૧૮૭૫ કરોડ રૂપિયા અને રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ પર એસબીઆઇના ૧૬૧૮ કરોડ રૂપિયા બાકી છે. જ્યારે વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સ પર એસબીઆઇના ૫૮૬ કરોડ બાકી છે.