ઓનલાઈન અભ્યાસ અને શિક્ષકોની હાજરીના મોનિટરિંગ માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના હસ્તે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0ના નવા ભવનનું લોકાર્પણ

June 10, 2021

ગાંધીનગર : રાજ્યમાં કોરોના મહામારીને પગલે સતત બીજા વર્ષે પણ ઓનલાઈન શિક્ષણ શરૂ થયું છે. જે માટે આજે મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓનલાઇન હાજરી અને શિક્ષક સજજતા સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ– યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગના હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0ના નવા ભવનનું લોકાર્પણ કર્યુ છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવે તેમજ શિક્ષણ સચિવ વિનોદ રાવ અને શિક્ષણના વરિષ્ઠ અધિકારીઓ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા પર વિશેષ FOCUS કરીને મિશન વિદ્યા, શિક્ષક-વિદ્યાર્થીની ઓનલાઇન હાજરી, હોમ લર્નીંગ, પીરિયોડીક એસસમેન્ટ ટેસ્ટ જેવા નાવિન્યપૂર્ણ પ્રોજેકટ છેલ્લા બે વર્ષથી અપનાવેલા છે. આ નવિનત્તમ પ્રોજેકટસ અને શિક્ષણની અન્ય યોજનાઓના મોનિટરીંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત થયેલું છે.

રાજ્યની 5400 જેટલી પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, ૩ લાખ કરતા વધારે શિક્ષકો અને 1 કરોડ ઉપરાંતના વિદ્યાર્થીઓના વિશાળ માળખાની સુઆયોજિત દેખરેખ માટે હવે આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નવા બિલ્ડિંગ ને અતિ આધુનિક ટેકનોલોજી-સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી લોકાર્પણ કરેલા આ નવિન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0માં આવતા ડેટાને મશીન લર્નીંગ, વિઝયુઅલ પાવર cQube ટૂલથી એનેલાઇઝ કરાશે. સ્ટેટ લેવલે શિક્ષક અને વિદ્યાર્થીની ઓનલાઇન રિયલ ટાઇમ એટેન્ડન્સ જાણી શકવા સાથે જિલ્લાવાર તેમજ કોર્સવાર માહિતી દીક્ષા પર્ફોમન્સના આધાર ઉપર આપી શકાય તેવી અદ્યતન સુવિધા આ નવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 માં ઉપલબ્ધ બનાવાઇ છે.