ગોંડલમાં જુવાનજોધ પુત્રને પિતાએ કોંસનો ઘા મારીને ઢીમ ઢાળ્યું

January 06, 2020

મોવિયા ગોવિંદનગરમાં રહેતા અને ખેત મજૂરી સાથે ગોંડલ એટલાસ ઓઇલ મિલમાં વોચમેન તરીકે કામ કરતા કેશુભાઈ ચાંગેલા અને તેમના યુવાન પુત્ર નિતેશ (ઉંમર વર્ષ 40) વચ્ચે શનિવારની રાત્રે પૈસા બાબતે ઝઘડો થતા ક્રોધે ભરાયેલ કેશુભાઇએ લોખંડના પાઇપ જેવા હથિયારનો ઘા નિતેશને માથા પર મારી દેતા તેનું ઘટના સ્થળે જ ઢીમ ઢાળી દીધી હતું.
પુત્રની હત્યા કર્યા બાદ કેશુભાઈ દ્વારા જ તાલુકા પોલીસને જાણ કરાતા પીએસઆઇ અજયસિંહ જાડેજા પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટના અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કેશુભાઈ માત્ર રૂપિયા 6 હજારના પગારમાં વોચમેનની નોકરી કરવાની સાથે વાર્ષિક ખેતીની દોઢ લાખની આવકમાં પોતાનું અને પોતાના પુત્રનું ઘર ચલાવતા હતા. છેલ્લા કેટલાક સમયથી નિતેશ કોઈ નશાના રવાડે ચડ્યો હોવાથી અવાર નવાર પૈસા બાબતે પિતા સાથે ઝઘડો કરતો હતો અને ગતરાત્રીના આ ઝઘડામાં પિતાના હાથે પુત્રની હત્યા થવા પામી હતી.
આ ઘટનામાં ભોગ બનનાર નિતેશને સંતાનમાં બે પુત્રો છે. ઘટના સમયે તેના પત્ની અને બંને પુત્રો ઉપરના રૂમમાં હતા, જ્યારે પિતા પુત્ર વચ્ચે નીચેના રૂમમાં ઝઘડો થયો હતો અને ત્યાં જ હત્યા નીપજી હતી.