ગુજરાતમાં 21 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં આજથી મંગળવાર સુધી 'ઓરેન્જ' એલર્ટ જાહેર કરાયું

September 19, 2021

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 24.64 ઈંચ સાથે મોસમનો સરેરાશ 74.51 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 101 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં દાહોદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીની સ્થિતિમાં 6 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં નવસારી, વલસાડ અને પાટણ જિલ્લાના તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.

ભારતના હવામાન ખાતાની આગાહી મુજબ, મધ્ય પ્રદેશમાં શુક્રવારે ભારે વરસાદ પડ્યો જે શનિવાર અને રવિવારે પણ યથાવત રહેશે. વધુમાં રાજસ્થાન અને ગુજરાતમાં 18થી 21 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદ પડી શકે છે. તેમાં પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટા છવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. હાલની આગાહીના આધારે IMDએ શનિવારે યેલો ઓરેન્જ જાહેર કર્યું છે, જ્યારે રવિવારથી મંગળવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદની વાતાવરણના કારણે તાપમાનનો પારો પણ નીચે ગગડશે.