ગુજરાતમાં 24 કલાકમાં વધુ 624 સાથે કુલ કેસનો આંક 31 હજારને પાર

June 29, 2020

- ગુજરાતમાં અત્યારસુધીના સૌથી વધુ કેસ : 19ના મૃત્યુ


- અમદાવાદમાં 211-સુરતમાં 182 કેસ : વલસાડમાં 36 કેસ સાથે કોરોના વિસ્ફોટ : એક્ટિવ કેસની સંખ્યા 6780

અમદાવાદ- ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં થઇ રહેલા વધારાનો ક્રમ જારી રહ્યો છે અને સતત બીજા દિવસે ૬૦૦થી વધુ કેસ નોંધાવવા સાથે અત્યારસુધીના સર્વોચ્ચ ૬૨૪ કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૩૧ હજારને પાર થઇને ૩૧૩૯૭ થઇ ગયો છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા ૬૭૮૦ છે, જેમાંથી ૭૧ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૯ સાથે કુલ મરણાંક હવે ૧૮૦૯ થયો છે. 
છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં કોરોનાની ધીમી પડેલી ગતિનો દોર જારી રહ્યો છે. અમદાવાદમાં આજે કોરોનાના સતત બીજા દિવસે કોરોનાના કુલ ૨૧૧ કેસ નોંધાયા હતા. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨૦૪૮૦ થયો છે. અમદાવાદમાં ૨૪૦થી ઓછા કેસ નોંધાયા હોય તેવું સતત છઠ્ઠા દિવસે બન્યું છે. બીજી તરફ સુરત શહેરમાં ૧૭૪, સુરત ગ્રામ્યમાં ૮ સાથે કુલ ૧૮૨ નવા કેસ નોંધાયેલા છે. સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૪૪૨૪ છે. આ સિવાય આજે અન્ય જિલ્લાઓ કે જ્યાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં વડોદરામાંથી ૪૪, વલસાડમાંથી ૩૬, ગાંધીનગરમાંથી ૧૧,રાજકોટ- કચ્છ-સુરેન્દ્રનગર-પાટણ-અમરેલીમાં ૧૦-૧૦ કેસનો સમાવેશ થાય છે. ગુજરાતના નવા નોંધાયેલા કેસ પૈકી ૧૩ અન્ય રાજ્યના છે. એક્ટિવ કેસની સંખ્યા હાલ અમદાવાદમાં ૩૩૯૭, સુરતમાં ૧૩૧૮, વડોદરામાં ૬૨૮, ગાંધીનગરમાં ૧૫ અને રાજકોટમાં ૧૨૮ છે.
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૧૩ના મૃત્યુ થયા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ  મરણાંક હવે ૧૪૨૩ થયો છે. બીજી તરફ સુરતમાંથી ૩, ગાંધીનગર-અરવલ્લી-ભરૃચમાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૯૧ સાથે ડિસ્ચાર્જ થનારા કુલ દર્દીઓની સંખ્યા હવે ૨૨૮૦૮ થઇ ગઇ છે. અમદાવાદમાંથી સૌથી વધુ ૧૮૧ને, સુરતમાંથી ૧૫૬ દર્દીઓને રજા આપવામાં આવેલી છે. ગુજરાતમાં વધુ ૬૧૫૮ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક હવે ૩,૬૩,૩૦૬ થયો છે.

ક્યાં વધુ એક્ટિવ કેસ

જિલ્લો       એક્ટિવ કેસ

અમદાવાદ     ૩૩૯૭

સુરત          ૧૩૧૮

વડોદરા        ૬૨૮

ગાંધીનગર      ૧૫૫

રાજકોટ          ૧૨૮

મહેસાણા        ૧૦૭

ભરૃચ           ૧૦૫

 

- ક્યાં સૌથી ઓછા એક્ટિવ કેસ?

જિલ્લો  એક્ટિવ કેસ

ડાંગ    ૦૦

તાપી   ૦૩

દેવભૂમિ દ્વારકા  ૦૪

પોરબંદર       ૦૪

મોરબી ૧૨