ઝારખંડમાં બે ડબા પાટા પરથી ખડી પડ્યાં, વંદે ભારત પણ અટવાઈ ગઈ

September 26, 2024

ઝારખંડના બોકારો શહેરમાં ટ્રેન દુર્ઘટનાના કારણે અપ-ડાઉનની લગભગ ડઝન ટ્રેનોની કામગીરી ખોરવાઈ ગઈ છે. વંદે ભારત ટ્રેનને પણ રોકવામાં આવી છે. દેશના કોઈને કોઈ રાજ્યમાં એક બાદ એક ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવતાં જઈ રહ્યાં છે. હવે ઝારખંડના બોકારો શહેરમાં માલગાડીના બે ડબા પાટા પરથી ખડી પડ્યાં છે. આ માલગાડી તુપકાડીહ રેલવે સ્ટેશન નજીક ડીરેલ થઈ છે. ઘટનાના કારણે બોકારો ગોમો રેલવે રુટ પર રેલવે પરિવહન ખોરવાઈ ગયુ છે. 

દેશના વિભિન્ન ભાગોમાં વધતી ટ્રેન દુર્ઘટનાની ઘટનાઓને રોકવા માટે રેલવેએ નવી પહેલ શરૂ કરી છે. રેલવેએ પહેલી વખત રેલવે ગાર્ડની રચના કરી છે. એક પાયલટ પ્રોજેક્ટના ભાગ તરીકે ભારતીય રેલવેએ ઉત્તર પશ્ચિમ રેલવે (એનડબ્લ્યૂઆર) વિસ્તારમાં આ પહેલ શરૂ કરી છે. રેલવે ગાર્ડ તાત્કાલિક દુર્ઘટના સ્થળ પર પહોંચીને બચાવ કાર્ય કરવામાં સક્ષમ છે.

રેલવે મંત્રીએ આ જવાબદારી ઉત્તર પશ્ચિમી રેલવેને આપી છે અને RPF અને મિકેનિકલ ટીમને 4 અઠવાડિયાની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. અમારી ટીમ રેલ સંરક્ષણ ટીમ ઓછા સમયમાં દુર્ઘટના સ્થળ પર પહોંચશે. આ એક ખૂબ જ ઐતિહાસિક પહેલ છે. ભારતીય રેલવેએ ગાંધીનગર રેલવે સ્ટેશન પર રેલવે સંરક્ષણ ટીમ અને સાધનો સ્થાપિત કર્યા છે.

બીજી તરફ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 'હું તે લોકોને સ્પષ્ટ રીતે કહેવા માગુ છું કે જે ડિરેલ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે તે રેલવેનું રાજનીતિકરણ કરવાનો પ્રયત્ન ન કરે. તેમના વિરુદ્ધ રાજ્ય પોલીસ અને NIA ના સહયોગથી કડક કાર્યવાહી કરવામાં આવશે.'