લખનઉમાં વાંદરા કોરોનાના દર્દીઓના લોહીના સેમ્પલ આંચકીને ભાગી ગયા !

May 30, 2020

લખનઉ : ઉત્તર પ્રદેશના લખનઉમાં જોવા મળતાં લંગૂરોના ટોળાએ મેડિકલ કોલેજના કેમ્પસમાંથી પસાર થઈ રહેલા એક લેબ ટેક્નીશિયન પર હુમલો કર્યો હતો અને તેની પાસે રહેલા ચાર કોરોનાના દર્દીઓના લોહીના સેમ્પલ આંચકી લઈને ત્યાંથી ભાગી ગયા હતા. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે ભયનુ વાતાવરણ ફેલાયું છે.

લખનઉથી ઉત્તરમાં ૪૬૦ કિલોમીટર દૂર આવેલા મેરઠની મેડિકલ કોલેજના કેમ્પસમાં આ ઘટના બની હતી. કોલેજના ઉચ્ચ અધિકારી ર્ડો. એસ.કે. ગર્ગે જણાવ્યું હતુ કે, હાલમાં સારવાર લઈ રહેલા ચાર કોરોના વાઈરસનો ચેપ ધરાવતા દર્દીઓના લોહીના નમૂના લઈને લેબ ટેક્નીશિયન ચાલતો જઈ રહ્યો હતો, ત્યારે લંગૂરોના ટોળાએ તેના પર હુમલો કર્યો હતો અને તેની પાસે રહેલા લોહીના નમૂના લઈને તેઓ ભાગી ગયા હતા. હવે અમારે આ દર્દીઓના લોહીના નમૂના ફરીથી લેવા પડશે.

ર્ડો. ગર્ગે ઊમેર્યું કે, કોરોનાના દર્દીના લોહીના સંપર્કમાં આવવાથી લંગૂરોને કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા કોઈ પૂરાવા હજુ સુધી મળ્યા નથી. ચીનના વુહાનમાં આવેલા જંગલી પ્રાણીઓના માર્કેટમાંથી કોરોના વાઈરસ ફેલાયો હોવાનું મનાય છે.