મધ્યપ્રદેશમાં શિક્ષકે વિદ્યાર્થિનીનો યુનિફોર્મ ઉતરાવ્યો, 2 કલાક અન્ડરગારમેન્ટસમાં ઉભી રાખી

September 25, 2022

ભોપાલ- દેશના નાગરિક તરીકે શરમથી માથુ ઝુકી જાય તેવી ઘટના મધ્યપ્રદેશની એક સ્કૂલમાં બની છે. સ્થાનિકોનો આરોપ છે કે, રાજ્યના શહડોલ નામના જિલ્લાની એક પ્રાથમિક સ્કૂલમાં ત્રિપાઠી નામના શિક્ષકે પોતે સ્વચ્છતા મિત્ર હોવાનો દાવો કરીને સ્વચ્છતાનો સંદેશ આપવાના નામે પાંચમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને કહ્યુ હતુ કે, તારો યુનિફોર્મ ગંદો છે અને તેને ધોવો પડશે.ચાલુ સ્કૂલમાં જ  શિક્ષકે વિદ્યાર્થિનીનો યુનિફોર્મ ઉતરાવ્યો હતો.


આ ઘટનાના વાયરલ થયેલા ફોટામાં શિક્ષક વિદ્યાર્થિનીનો યુનિફોર્મ ધોતો નજરે પડે છે.વિદ્યાર્થિની પોતાના અન્ડરગારમેન્ટમાં ઉભી છે અને બીજી વિદ્યાર્થિનીઓ તેની સાતે ઉભેલી નજરે પડે છે. સ્થાનિક લોકોનુ એવુ પણ કહેવુ છે કે, વિદ્યાર્થિનીને તેનો યુનિફોર્મ સુકાયો નહીં ત્યાં સુધી બે કલાક સ્કૂલમાં યુનિફોર્મ પહેર્યા વગર ઉભા રહેવુ પડ્યુ હતુ.એ પછી તેને યુનિફોર્મ પહેરાવીને ક્લાસમાં મોકલવામાં આવી હતી.


શિક્ષક શ્રવણ ત્રિપાઠીએ અન્ડર ગારમેન્ટમાં ઉભેલી વિદ્યાર્થિની સાથે પોતાનો ફોટો પણ પડાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.લોકોને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે રજૂઆત કરી હતી અને હવે આ શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયો છે.