મહારાષ્ટ્રમાં શિંદે જ શિવસેના માટે સંકટ બન્યા

June 21, 2022

એમપીમાં મુખ્યમંત્રી કમલનાથ સામે જયોતિરાદિત્ય સિંધિયાએ બળવો કર્યો હતો


દિલ્હી- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જ મહારાષ્ટ્રના રાજકારણમાં અશાંતિ સર્જાઇ છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મિલી જુલી અઘાડી સરકાર ચલાવતા મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે પણ સંકટના વાદળો છવાયા છે. સરકારમાં નંબર ટુ નો દરજજો ધરાવતા મંત્રી એકનાથ શિંદેએ પોતાના પક્ષના કેટલાક ધારાસભ્યો સાથે સૂરતમાં ધામા નાખીને બળવાની સ્થિતિ ઉભી કરી છે. શરુઆતમાં માનવામાં આવતું હતું કે સૂરતની એક હોટલમાં એકનાથ શિંદે ઉપરાંત શિવસેનાના 13  જેટલા ધારાસભ્યો છે જયારે અપક્ષ અને નાની પાર્ટીઓના ગણીને 26 જેટલા ધારાસભ્યો છે. શિવસેના પાસે વિધાનસભામાં કુલ માત્ર 55 ધારાસભ્યો જ છે આવા સંજોગોમાં ઉધ્ધવ સરકાર માટે મુશ્કેલી વધી છે. આમ તો એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જવા માટે પક્ષાંતરનો કાયદો લાગુ પડે છે. કોઇ પણ પાર્ટીની બે તૃતિયાંશ મેમ્બર નવી પાર્ટી બનાવવા કે બીજા પક્ષમાં બળી શકે છે. જો એમ ના થાય તો માન્યતા રદ થાય છે અને કાર્યવાહીનો સામનો કરવો પડે છે. આથી શિવસેનાના 55 જોતા 37 સભ્યોનું એકનાથ શિંદેને સમર્થન મેળવવું પડે.


મહારાષ્ટ્રમાં હાલમાં 288 સભ્યોની વિધાનસભામાં 287 સભ્યો છે. જેમાં જો વિપક્ષ ભાજપે સરકાર બનાવવી હોયતો 144 ધારાસભ્યોનું સમર્થન જરુરી બને છે. હાલના સંજોગોમાં એકનાથ શિંદે પાસે 37 ધારાસભ્યોનું સમર્થન જણાતું નથી તેમ છતાં અઘાડી સરકાર માટે વિધાનસભામાં બહુમતિ સાબીત કરવાનું જોખમ લટકી રહયું છે. મહારાષ્ટ્રમાં અઘાડી સરકાર માટે ઉભા થયેલા રાજકિય જોખમને ટાળવાનો એક માત્ર રસ્તો એકનાથ શિંદેને મનાવવાનો છે. 


કોંગ્રેસે પોતાના ધારાસભ્યોના ડેમજ કંટ્રોલ માટે કમલનાથને જવાબદારી સોંપી છે. એનસીપીના વડા શરદ પવારે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને સમર્થન આપીને વર્તમાન સ્થિતિને શિવસેનાની આંતરિક સમસ્યા ગણાવી છે. તેમ છતાં શરદપવાર પડદા પાછળ સક્રિય કરીને રાજકિય કોંકડુ ઉકેલે તેવી શકયતા છે.