એક સપ્તાહમાં દેશમાં 5.55 લાખ નવા સંક્રમિત મળ્યા, અમેરિકા અને બ્રાઝિલની સરખામણીમાં બે ગણાથી વધુ

September 16, 2020

નવી દિલ્હી  : દેશમાં કોરોનાના કેસ 50 લાખથી વધુ વધી ગયા છે. રોજ 85થી 96 હજારની વચ્ચે દર્દીઓ પ્રકાશમાં આવી રહ્યા છે. જો આ જ ટ્રેન્ડ રહ્યો તો નવેમ્બર સુધીમાં એક કરોડ કેસ થઈ જશે. ગત સપ્તાહ પર નજર કરીએ તો વિશ્વમાં સૌથી વધુ કેસ ભારતમાં પ્રકાશમાં આવ્યા છે.

વિશ્વના ત્રણ સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા, ભારત અને બ્રાઝિલના 9થી 15 સપ્ટેમ્બર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો આ દરમિયાન દેશમાં 5 લાખ 55 હજાર 38 કેસ પ્રકાશમાં આવ્યા છે. જ્યારે અમેરિકામાં 2 લાખ 27 હજાર 55 અને બ્રાઝિલમાં 1 લાખ 84 હજાર 977 પોઝિટિવ કેસ મળ્યા છે. આ દરમિયાન સમગ્ર વિશ્વમાં 19 લાખ 53 હજાર 602 સંક્રમિત વધ્યા છે.

દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો મંગળવારે 50 લાખને વટાવી ગયો છે. અત્યારસુધીમાં 50 લાખ 18 હજાર 34 લોકો સંક્રમિત છે. છેલ્લા 24 કલાકની અંદર 91 હજાર 96 નવા દર્દીઓ વધ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલયે બુધવારે તેના આંકડાઓ જાહેર કર્યા છે. એ મુજબ મંગળવારે 90 હજાર 123 દર્દી વધ્યા અને 1290 લોકોનાં મોત થયાં. તેની સાથે જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 50 લાખ 20 હજાર 360 થઈ છે. એમાંથી 39 લાખ 42 હજાર 361 દર્દી સાજા થયા છે. 9 લાખ 95 હજાર 933 એક્ટિવ દર્દી છે, જ્યારે અત્યારસુધીમાં કુલ 82 હજાર 66 લોકોએ જીવ ગુમાવ્યો છે.