CAAના વિરોધમાં મ. પ્રદેશમાં ભાજપના 80 મુસ્લિમ નેતાઓના રાજીનામા

January 25, 2020

ભોપાલ : સીએએને લઇને ભાજપના નેતાઓ હવે પક્ષમાંથી રાજીનામુ આપવા લાગ્યા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં સીએએને પગલે ભાજપમાંથી 80 જેટલા નેતાઓએ  સામૂહીક રીતે રાજીનામુ આપી દીધુ હતું. રાજીનામુ આપનારા 80 નેતાઓ મુસ્લિમ સમુદાયના છે. તેઓ સીએએનો વિરોધ કરી રહ્યા છે અને સરકાર તેને પરત લે તેવી માગણી કરી રહ્યા  છે. 

ભાજપમાંથી રાજીનામુ આપનારા પૈકી એક નેતા રાજીક કુરેશીએ જણાવ્યું હતું કે આશરે 80 જેટલા પક્ષના નેતાઓએ ભાજપના પ્રાથમીક સભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. અમે  અમારી રજુઆત ભાજપના નવા અધ્યક્ષ જે.પી. નડ્ડાને પણ સોપી છે. નેતાઓએ આરોપ લગાવ્યો છે કે સીએએ એ વિભાજનકારી કાયદો છે અને તેથી તેને સમર્થન ન આપી શકાય. 

 સાથે આ નેતાઓએ એવી પણ દલીલ કરી હતી કે અમારા મુસ્લિમ સમાજના લોકોમાં જ્યારે અમે કોઇ કાર્યક્રમ દરમિયાન જઇએ છીએ ત્યારે અમારે નારાજગીનો સામનો કરવો પડી રહ્યો  છે.

 તેથી અમારા માટે એક મુશ્કેલી ભરી સ્થિતિ ઉભી થઇ હોવાથી પણ રાજીનામા આપી રહ્યા છીએ. અમને સમાજના લોકો પૂછી રહ્યા છે કે ક્યાં સુધી તમે ભાગલાવાદી સીએએ કાયદાનું  સમર્થન કરતા રહેશો. આ નેતાએ સાથે એમ પણ કહ્યું હતંુ કે કોઇ પણ નાગરિક જો પીડિત હોય તો તેને શરણાર્થી તરીકે જ જોવો જોઇએ અને તેને કોઇ ધર્મના લેબલ લગાવ્યા વગર  નાગરિકતા આપવી જોઇએ.

સીએએમાં પાક. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીને ભારતની નાગરિકતા આપવાની છે, તેમાં મુસ્લિમોનો સમાવેશ નથી કરાયો સાથે જ સરકાર  એનઆરસી લાગુ કરવાની વાત કરી ચુકી છે જેને પગલે પણ વિવાદ ચાલી રહ્યો છે.