રાજકોટમાં યુવકે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી કહ્યું- ‘મારી પત્નીના ચરિત્રથી કંટાળી મેં તેની હત્યા કરી નાખી, ક્યાં હાજર થાઉં'

October 16, 2021

રાજકોટ : રાજકોટની ભાગોળે અમનગર રોડ પર સાવેલા મનહરપુરમાં રહેતા યુવકે તેની પત્નીની ઘાતકી રીતે હત્યા કરી લાશને અવાવરૂ સ્થળે રાખી દીધી હતી અને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને કહ્યું- ‘મારી પત્નીના ચરિત્રથી કંટાળી મેં તેની હત્યા કરી નાખી છે,

ક્યાં હાજર થાઉં'. આ ઘટનાને પગલે જે જગ્યાએથી ફોન થયો હતો ત્યાં તરત યુનિવર્સિટી પોલીસ પહોંચી હતી અને યુવકે અવાવરૂ સ્થળેથી પત્નીની લાશ પોલીસને સોંપી હતી. પોલીસ તપાસમાં આરોપી પતિએ પત્નીના ચરિત્રથી કંટાળીને તેને પતાવી દીધાની સનસનીખેજ કબૂલાત આપી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, મનહરપુરમાં રહેતા શૈલેષ ભૂપતભાઈ પંચાસરા નામના 25 વર્ષના યુવકે શુક્રવારે મધરાત્રિના પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરીને કહ્યું હતું કે ‘મારી પત્ની ચારિત્રહીન છે, તેના લફરાંથી કંટાળીને તેને મેં પતાવી દીધી છે. કયા પોલીસ સ્ટેશનમાં હું હાજર થાઉં.' શૈલેષની વાત સાંભળીને એક તબક્કે તો કંટ્રોલ રૂમના સ્ટાફને લાગ્યું હતું કે દારૂના નશામાં કોઈ શખસ ખોટો ફોન કરીને ગેરમાર્ગે દોરો રહ્યો છે.

પોલીસે ખરાઈ કરવા માટે સરનામું પૂછ્યું. શૈલેષે ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસે પોલીસને મોક્લવાનું કહ્યું હતું. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડાંગર સહિતનો સ્ટાફ ત્યાં પહોંચતાં જ તે પોલીસની સામે ચાલ્યો હતો અને એસઆરપી કેમ્પ પાછળ અવાવરૂ સ્થળ પર લઈ જઈ તેની પત્ની નેહા (ઉં.વ.22)ની લાશ પોલીસને બતાવી હતી.