'સામના'માં શિવસેનાએ BJP સામે ભડાસ કાઢી:કહ્યું, ગુજરાતમાં ભલે દાંડિયા રમી લો, પણ મહારાષ્ટ્રમાં તલવારથી તલવારનો સામનો થશે

June 22, 2022

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ અને ઉદ્ધવ સરકારમાં મંત્રી એકનાથ શિંદેની બળવાખોરી વચ્ચે શિવસેનાએ તેમના મુખપત્ર 'સામના'માં ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. શિવસેનાએ સામનામાં લખ્યું છે કે મહારાષ્ટ્રની સરકાર પાડવા માટે ભાજપ એકપણ મોકો નથી છોડતી. અઢી વર્ષ પહેલાં અજિત પવાર પ્રકરણ શરૂ થયું હતું. હવે આ જ બેચેન આત્માઓ એકનાથ શિંદેની ગરદન પર બેસીને ઓપરેશન કમળ કરી રહી છે.

શિવસેનાએ કહ્યું છે કે મહારાષ્ટ્ર પર હુમલો કરનાર, મહારાષ્ટ્ર સાથે દગાખોરી કરનારા લોકોનું શું થશે? નફરતનાં બીજ રોપનારનું શું થશે? ધર્મનું મોહરું પહેરીને અધર્મનો સાથ આપનારા લોકોને જનતા માફ નહીં કરે? આ સળગતા સવાલો છે. સંકટો અને વાવાઝોડાનો સામનો કરવો શિવસેનાની આદત છે. ગુજરાતની જમીન પરથી હુંકાર કરનારા લોકો એ સારી રીતે સમજી લે કે ગુજરાતમાં આ મંડળી ભલે દાંડિયા રમી લે, પરંતુ મહારાષ્ટ્રમાં તલવાર સાથે તલવાર અથડાશે એ નક્કી છે.

સામનામાં શિવસેનાએ લખ્યું છે કે મુંબઈ પર કબજો કરવો હોય તો શિવસેનાને અસ્થિર કરવું તે જ મહારાષ્ટ્ર વિરોધીઓની નીતિ છે, પણ મહારાષ્ટ્ર શાણા લોકોનું રાજ્ય છે. શાણપણમાં મહારાષ્ટ્ર અન્ય રાજ્યો કરતાં બે ડગલાં આગળ છે. ભાજપ પર આરોપ લગાવતાં તેમણે સામનામાં કહ્યું છે કે વિધાન પરિષદની ચૂંટણી પછી શિવસેનાના દસ ધારાસભ્યોને ઊંચકીને ગુજરાત લઈ જવામાં આવ્યા. તેમણે ભાગવાનો પ્રયત્ન કર્યો તો તેમની સાથે મારઝૂડ કરવામાં આવી.

સામાનામાં વધુમાં લખ્યું છે કે મહારાષ્ટ્રમાં સત્તાની મસ્તી નહીં ચાલે. કેન્દ્રીય સત્તાની લાલચ બતાવીને મહારાષ્ટ્રમાં તોડ-ફોડની રાજનીતિ શરૂ કરી દેવામાં આવી છે. માનું ધાવણ વેચે તેવાં સંતાનો શિવસેનામાં નથી. આવા લોકોનો શિવસેનામાં જન્મ થાય એ મહારાષ્ટ્રની માટી સાથે દગાખોરી છે. શિવસેના માતા છે. તેના સોગંદ ખાઈને રાજનીતિ કરનારા લોકોએ માના દૂધનો વેપાર શરૂ કરી દીધો છે. એ બજાર માટે સુરત પસંદ કરવામાં આવ્યું છે.