દક્ષિણ ગુજરાતમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાયો, દરિયા કિનારે ઉંચા મોજા ઉછળ્યા

June 03, 2020

સુરત. અરબી સમુદ્રમાં સાકાર થયેલા ચક્રવાત નિસર્ગની દિશા બદલાઇ છે. માત્ર મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ચક્રવાત ત્રાટક્યું છે. જેથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના માથેથી ચક્રવાતનું મોટું સંકટ દૂર થતાં શહેરીજનો સાથે તંત્રે રાહતના શ્વાસ લીધા છે. સુરત પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે, હાલ સુરતમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી લોકોને ઘરોમાં રહી સુરક્ષિત રહેવા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સુરત સાથે વલસાડમાં પણ વાવાઝોડાની અસર વર્તાઈ છે. સુરત અને વલસાડના દરિયા કાંઠે ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

સુરત ક્લેક્ટર ડો. ધવલ પટેલે ઓડિયો મેસેજ થકી માહિતી આપતાં જણાવ્યું હતું કે, વાવાઝોડાના પગલે શહેરમાં અને દરિયા કાંઠાના વિસ્તારોમાં 70થી 90ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. જેથી લોકોએ સાવધાની રાખવી હિતાવહ છે. સુરત દરિયાકાંઠા વિસ્તારના અને કાચા મકાનોમાં રહેતા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે. લોકોએ ઝાડ નીચે ન ઉભું રહેવાથી લઈને ઘરના બારી બારણા બંધ રાખવા સહિતની તમામ બાબતોની તકેદારી રાખવા માટે સૂચના આપી છે.

વર્ષ 2017માં ઓખી બાદ નિસર્ગ ચક્રવાતની મોટી ઘાત ટળી છે. નિસર્ગ ચક્રવાતને લઇ દક્ષિણ ગુજરાતના તિથલ, ડુમસ અને સુવાલીના બીચ બંધ કરી દેવામાં આવ્યા હતા. મોટા હોર્ડિંગ્સ, હાઇમાસ્ટ ટાવર ઉતારવા સાથે વૃક્ષોના ટ્રિમિંગની મોટાપાયે કામગીરી હાથ ધરાઇ હતી. એટલું જ નહીં એનડીઆરએફ-એસડીઆરએફની ટીમો પણ સુરતમાં ઉતારી દેવાઇ હતી. 

હવામાન અધિકારી દિલીપ હિંદયાએ જણાવ્યું હતું કે, ચક્રવાતની સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં નહિંવત અસર જોવા મળશે. હાલમાં ચક્રવાત ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પાસે આવેલા મહારાષ્ટ્રના કાંઠા વિસ્તાર તરફ લેન્ડફોલ થશે. જેથી સુરત સાથે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર ઓછી જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં 35થી 40 કિમી ગતિએ પવન ફૂંકાવવા સાથે વરસાદ પડી શકે છે.