સુરતમાં સતત બીજા દિવસે 10 મોત, મૃત્યુઆંક 194ઃ નવા 205 કેસ

July 01, 2020

કુલ કેસનો આંકડો 5260 થયોઃ સિટીમાં વધુ 136 અને ગ્રામ્યમાં 11 મળી 145 દર્દીને રજા આપી દેવાઇ
કતારગામમાં બીજા 60, વરાછામાં 43 અને અઠવામાં પણ પચ્ચીસ કેસ નોંધાયા


સુરત- સુરત શહેરમાં કોરોના રોજ ઘાતક બની રહ્યો છે. આજે સિટીના 9 અને ગ્રામ્યના 1 મળી વધુ 10 દર્દીના મોત થયા છે.  જ્યારે સિટીમાં 183 અને ગ્રામ્યમાં 22 મળી કુલ 205 નવા કેસ નોંધાયા છે. સિટીમાં ભાઠેના, ભાગળ, કાપોદ્રા, લિંબાયત, અમરોલી, રેશમવાડા, અમન સોસાયટી, ભટાર, પુણાગામ અને જિલ્લામાં કામરેજના દર્દીનું મોત થયું હતું. સિટી-ગ્રામ્યમાંથી આજે કુલ 145 દર્દીને રજા આપી દેવાઇ હતી.


ભાગળમાં રહેતા 52 વર્ષીય આધેડને ગત તા.22મીએ ,ભાઠેનામાં રહેતા 70 વર્ષીય વૃધ્ધને ગત તા.17મીએ, કાપોદ્રામાં રહેતા 68 વર્ષીય વૃધ્ધને ગત તા.22મીએ, અમરોલીમાં રહેતા 45 વર્ષીય મહિલાને ગત તા.27મીએ, રેશમવાડામાં રહેતા 60 વર્ષીય વૃધ્ધને ગત તા.15મીએ, અમન સોસાયટીમાં રહેતા 45 વર્ષીય મહિલાને ગત તા.21મીએ, ભટારમાં રહેતા 51 વર્ષીય મહિલાને ગત તા.26મીએ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

 લિંબાયતમાં રહેતા 45 વર્ષીય મહિલાને ગત તા.28મીએ અને પુણાગામના47 વર્ષીય આધેડને ગત તા.27મીએ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં તેમના કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા હતા. બાદમાં વારા ફરતી નવયેના મોત  થયા હતા. કાપોદ્રાના કેસમાં ડાયાબીટીઝ, લિંબાયતના કેસમાં ડાયાબિટીઝની બિમારી હતી. જયારે સુરત જીલ્લામાં કામરેજમાં રહેતા ૫૨ વર્ષીય આધેડનું  સારવાર દરમિયાન નવી સિવિલમાં મોત નીંપજયુ હતુ.

સિટીમાં આજે નવા નોંધાયેલા 183 કેસમાં ફરીવાર સૌથી વધુ 60 કેસ કતારગામ ઝોનમાંથી આવ્યા છે. જ્યારે સેન્ટ્રલમાં 15, વરાછા એ 26, વરાછા બી 17, રાંદેર 18, લિંબાયતમાં 15, ઉધનામાં 7 અને  અઠવાના 25 દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. સિટીમાં 4713 કેસ, 178 મૃત્યુઆંક જ્યારે ગ્રામ્યમાં 547 કેસ અને 16 મૃત્યુઆંક છે. શહેર-જિલ્લાના કુલ કેસનો આંકડો 5260  અને મૃત્યુઆંક 194 થયો છે. સિટીંમાં આજે 136 દર્દીને રજા અપાઇ હતી અત્યારસુધી કુલ 2958ને રજા અપાઇ છે. ગ્રામ્યમાં આજે 11 દર્દીને રજા અપાઇ હતી અને અત્યારસુધી કુલ 287 દર્દીને રજા અપાઇ ચુકી છે..