સુરતમાં મુખ્યમંત્રી-મંત્રીથી લઈને પાટીલ સુધીના નેતાઓના આંટા ફેરા વધ્યા, દોઢ મહિનામાં ત્રીજું શક્તિપ્રદર્શન

November 24, 2021

સુરત : ગુજરાતમાં બે મહિના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ન ભૂતો ન ભવિષ્યતિ કહી શકાય તેવા એકદમ નવા ચહેરા સાથેના પ્રધાનમંડળની રચના કરવામાં આવી છે. જેમાં સુરત જાણે પ્રધાનોનું શહેર બની ગયું હોય તે રીતે ત્રણ રાજ્ય કક્ષાના મંત્રી અને એક કેબિનેટ મંત્ર બનાવવામાં આવ્યાં છે. સુરતમાંથી પ્રધાનો બનાવવા પાછળ રાજકીય તજજ્ઞો આમ આદમી પાર્ટીની સુરતમાં વધતી તાકાતને કાબૂમાં રાખવા માટેની રાજનીતિ હોવાનું પણ ગણાવી રહ્યાં છે. દરમિયાન છેલ્લા દોઢ મહિનાથી ગુજરાતમાં સુરત કેન્દ્ર સ્થાને આવી ગયું છે. જન આશીર્વાદ યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પૂર્ણેશ મોદી બાદ આજે ત્રીજું શક્તિપ્રદર્શન થવા જઈ રહ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ હાજર રહેશે. ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં 30 હજારથી વધુ કાર્યકરો હાજર રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.


10 ઓડક્ટોબરના રોજ શહેરના બે મંત્રીઓની વિશાળ જન આશીર્વાદ યાત્રા નીકળી હતી. માર્ગ મકાન મંત્રી બન્યા બાદ પૂર્ણેશ મોદી અને ગૃહ રાજ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવી પહેલીવાર પોતાના શહેરમાં આવ્યા હતા. પૂર્ણેશ મોદીની જન આશીર્વાદ યાત્રા સરોલીથી અડાજણ સુધી ફરી હતી જ્યાં 54 પોઇન્ટ પર સ્વાગત કરાયું હતું. હર્ષ સંઘવીની યાત્રા કારગિલ ચોક, પીપલોદથી નીકળી અલથાણ ખાતે પૂર્ણ થઇ હતી. પૂર્ણેશ મોદીની યાત્રાની સારોલી-જહાંગીરપુરાથી રામનગર, અડાજણ પાટીયા, ગુજરાત ગેસ સર્કલથી જલારામનગર પહોંચી હતી. અત્યાર સુધી સુરતમાં નરેન્દ્ર મોદીના સ્વાગતમાં અને ત્યારબાદ સી.આર.પાટીલ માટે આટલી ભીડ થઈ હતી. હવે હર્ષ સંઘવી માટે પણ હજારો લોકો ઉમળકાભેર યાત્રામાં જોડાયા હતા. માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીની જન આશીર્વાદ યાત્રા અડાજણ, રાંદેર અને જહાંગીરપુરા સહિતના વિસ્તારમાં ફરી હતી. જ્યાં અલગ અલગ પોઇન્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું.પોતાના વિસ્તારમાં મંત્રી પૂર્ણેશ મોદીએ લોકોના આશીર્વાદ મેળવવા કાઢેલી યાત્રામાં મ્યાનમાંથી તલવાર કાઢી શક્તિ પ્રદર્શન કર્યું હતું.