સુરતમાં કોરોનામાં મોતને ભેટેલી મુસ્લિમ મહિલાની દફનવિધિને બદલે અગ્નિ સંસ્કાર કરી દીધા !

April 06, 2021

સુરત સિવિલની કોવિડ હોસ્પિટલની ગંભીર બેદરકારી


સુરત શહેરમાં કોરોનાએ ગંભીર સ્વરૃપ ધારણ કરતા કેસ અને મૃત્યુમાં વધારો થઈ રહ્યો છે, એવા સમયે નવી સિવિલની કોવિડ હોસ્પિટલની વઘુ એક ગંભીર બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કોરોના સંક્રમિત બે મહિલાના મૃતદેહ બદલાઈ ગયા હતા. મુસ્લિમ મહિલાના મૃતદેહની દફનવિધિ કરવાને બદલે અગ્નિસંસ્કાર આપી દેવાતા પરિવારે હોબાળો મચાવી તોડફોડ કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી .

નવી સિવિલથી મળેલી વિગત મુજબ સુરતના રામપુરામાં રહેતા ૩૮ વર્ષના શબાનાબેનને ૯ દિવસ અગાઉ કોરોનાના લક્ષણો જણાતા સારવાર માટે સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. બાદમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનું સારવાર દરમિયાન શનિવારે રાત્રે મોત થયું હતુ. શબાનાબેનના પરિવારજનોએ કહ્યું કે, શબાનાબેનના મૃત્યુ અંગે કોવિડ હોસ્પિટલના કર્મચારીએ તેમના પરિવારને જાણ કરી હતી. જેથી તેના પરિવારજનો રાત્રે જ દોડી આવ્યા હતા પણ કર્મચારીએ સવારે આવવાનું કહેતા રવિવારે સવારે કોવિડ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેઓને કર્મચારીએ કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યુ હતું. થોડા સમય પછી ફરી તેમના પરિવારજનોએ પૂછતા તેમને યોગ્ય જવાબ આપ્યો ન હતો.

બાદમાં પરિવારજનોને જાણ થઈ કે, કોરોના સંક્રમિત સુશીલાબેન નામની મહિલા પણ મોતને ભેટી હતી, તે મહિલાના મૃતદેહનાં અંતિમ સંસ્કાર કરવાના બદલે શબાનાબેનના મૃતદેહનાં અંતિમ સંસ્કાર કરી દેવાયા છે. જેથી શબાનાબેનના પરિવારજનોએ આક્રોશમાં આવી હોબાળો મચાવ્યો હતો. જેને પગલે હાજર કર્મચારીએ ભૂલથી તેમનો મૃતદેહ અંતિમવિધિ માટે સોંપી દીધો હોવાનું જણાવ્યું હતુ. બાદમાં તેમના પરિવારજનો અને સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને હંગામો મચાવી તોડફોડ શરૃ કરી હતી. હોસ્પિટલના બાઉન્સર્સ સાથે ઝપાઝપી થતાં વાતાવરણ તંગ થયું હતુ. આ અંગે ખટોદરા પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બીજી તરફ કલેક્ટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમાજના અગ્રણીઓને સિવિલ ખાતે બોલાવી તમામ દ્વારા પરિવારને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. શબાનાબેનના પતિનું અગાઉ અવસાન થયું હતુ, તેમને સંતાનમાં ત્રણ પુત્રો અને એક પુત્રી છે.