કોંગ્રેસમાં ફરી યાદવાસ્થળી રાજસ્થાન સરકાર સંકટમાં

October 01, 2022

આઝાદીના 75 વર્ષ વીતી ગયા છે ત્યારે કોંગ્રેસ પક્ષ ઐતિહાસિક કટોકટીની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. 2014 પછી દેશભરમાં પાર્ટીનું ધોવાણ થયુ છે. અત્યારે પણ એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત છે. કોંગ્રેસ પાસે આજે સત્તા હોય તેવા માંડ બે રાજ્યો છે. જેમાં રાજસ્થાન સૌથી મહત્વનું છે. અહીં પાયલટ અને ગેહલોત વચ્ચે ઘણાં સમયથી ખટરાગ ચાલી રહ્યો છે. પરંતુ મોવડી મંડળ અત્યાર સુધી તેને દબાવી રાખવામાં સફળ રહ્યું હતુ.  જો કે, ફરીવાર અહીં રાજકીય સંકટ ઉભુ થયુ છે. કોંગ્રેસ માટે શરમજનક વાત એ છે કે, સોનિયા ગાંધી જેમને પોતાના ચુસ્ત વફાદાર માનતાં હતાં એ અશોક ગેહલોતે રીતસર દાદાગીરી કરી છે. સોનિયાના આદેશથી બોલાવાયેલી ધારાસભ્યોની બેઠકમાં ગેહલોતના સમર્થકો ધરાર ગેહાજર રહ્યા હતા. આટલું ઓછું હોય તેમ સ્પીકર પાસે જઈને રાજીનામાં ધરી દીધાં. આ ગેરશિસ્ત કહેવાય પણ સોનિયા એટલાં નબળાં અને લાચાર છે કે, ગેરશિસ્ત કરનારા ધારાસભ્યોને કશું કરી શકતાં નથી. 
ગેહલોત સમર્થક કેટલાકે ગેહલોત પછી મુખ્યમંત્રીપદે કોણ બેસે તેની શરતો મૂકી છે.  તેમાં મુખ્ય શરત એ છે કે, અમને સચિન પાયલોટ તો ખપે જ નહીં. લોકશાહીમાં ધારાસભ્યોને પોતાનો નેતા ચૂંટવાનો અધિકાર છે. એ જોતાં બહુમતી ધારાસભ્યો બેઠકમાં મતદાન કરીને પાયલોટને નકારી કાઢે તો હજુ સમજી શકાય પણ આ તો ધારાસભ્યોને પૂછયા વિના તેમના નામે જ ચલાવી દેવાયું કે, પાયલોટ નથી જોઈતા. 
રાજકીય પક્ષો લોકશાહીના મૂળભૂત સિધ્ધાંતને અનુસરતા નથી. ટોચ પર બેઠેલા લોકો નક્કી કરી નાંખે તેનું નામ બોલાય એટલે આંગળી ઉંચી કરી દેવાની બિનલોકશાહી પરંપરાને હવે તમામ પક્ષો અનુસરે છે. ખુદ ભાજપ પણ તેમાંથી બાકાત નથી. સોનિયા પણ એ પરંપરા પ્રમાણે જ નવો મુખ્યમંત્રી નક્કી કરવા માંગતાં હતાં. તેની સામે ધારાસભ્યોએ વાંધો લીધો હોત તો સમજી શકાય પણ અહીં તો ધારાસભ્યોને મતદાનની તક જ નથી અપાઈ. તેના બદલે ગેહલોતના ઈશારે મંત્રીઓ જ પાયલોટ ના જોઈએ એ રેકર્ડ વગાડયા કરે છે.  
ગેહલોતના ચમચા જેવા મંત્રીઓ દાવો કરે છે કે, બહુમતી ધારાસભ્યો પાયલોટની વિરૂધ્ધ છે પણ વિધાનસભા પક્ષની બેઠકમાં એ વાત સાબિત કરવાની તેમની તૈયારી નથી. કોંગ્રેસના નીરિક્ષકો અજય માકન અને મલ્લિકાર્જુન ખડગેએ તમામ ધારાસભ્યોને એક પછી એક મળવાની તૈયારી બતાવી પણ ધારાસભ્યોના આગેવાન થઈને બેઠેલા મંત્રીઓ ધારાસભ્યોને વ્યક્તિગત રીતે મળવા દીધા ન હતા. આથી ખડગે રાજસ્થાનના કોંગી ધારાસભ્યોને મળ્યા વિના જ દિલ્હી પરત  ફર્યા હતા. ગેહલોત જૂથને પોતાની એકતામાં વિશ્વાસ નથી એ સ્પષ્ટ છે છતાં સોનિયા કશું કરી શકતાં નથી. 
કોંગ્રેસમાં અત્યારે જે સ્થિતી સર્જાઈ તેના માટે સોનિયા ગાંધી પોતે જવાબદાર છે. કોંગ્રેસના ટોચના ૨૩ નેતાઓએ બે વર્ષ પહેલાં સોનિયા ગાંધીના નેતૃત્વ સામે સવાલ ઉઠાવ્યો ત્યારે જ સોનિયાએ નિવેડો લાવી દીધો હોત તો આ સ્થિતિ જ ના સર્જાઈ હોત. સોનિયાએ પુત્રપ્રેમમાં આંધળાં થઈને અને પોતાના સલાહકારોની વાત માનીને પ્રમુખપદનો મુદ્દો ટલ્લે ચડાવ્યો તેમાં કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ. શરૂઆતમાં સોનિયાના પડખે વધારે કોંગ્રેસીઓ હતા પણ કાયમી પ્રમુખનો મુદ્દો ના ઉકેલાતાં ધીરે ધીરે આ મુદ્દે અસંતોષ વધતો ગયો. આ અસંતોષને ઠંડો પાડવા સોનિયા ગાંધીએ કોંગ્રેસના પ્રમુખપદની ચૂંટણીની તારીખો જાહેર કરાવી દીધી. સોનિયાએ કુલડીમાં ગોળ ભાંગીને પોતાના વફાદાર એવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને રાષ્ટ્રીય પ્રમુખપદે બેસાડવાનાં સોગઠાં પણ ગોઠવી દીધેલાં, પણ છેલ્લી ઘડીએ ગેહલોત જોરદાર દાવ રમી ગયા તેના કારણે કોંગ્રેસમાં આ નવું કમઠાણ ઉભું થઈ ગયું છે. 
ગેહલોતની ઈચ્છા રાષ્ટ્રીય પ્રમુખ બન્યા પછી પણ રાજસ્થાનના મુખ્યમંત્રીપદે ચાલુ રહેવાની હતી. પણ રાહુલ ગાંધીએ ‘એક વ્યક્તિ, એક હોદ્દો’ના નામે એ વાત નામંજૂર કરી નાંખી. કેમ કે રાહુલ સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવા માગે છે. સામે ગેહલોતને પાયલોટ મંજૂર નથી. કેમ કે, પાયલોટ તેમના કહ્યાગરા નથી. ગેહલોતને મુખ્યમંત્રીપદે પોતાનો કહ્યાગરો માણસ જોઈએ છે. તેથી તેમણે આ તાયફો કરાવી દીધો છે.  ગેહલોત પોતાને કોંગ્રેસના સૈનિક ગણાવે છે પણ તેમના ઈશારે કોંગ્રેસની આબરૂનો ધજાગરો થઈ ગયો પછી તેઓ ગુરુવારે સોનિયાને મળવા દિલ્હી પહોંચ્યા હતા. જે બાદ 10 જનપથ ખાતે યોજાયેલી બેઠકમાં સોનિયા ગાંધી, ગેહલોત ઉપરાંત કેસી વેણુગોપાલ પણ હાજર રહ્યાં હતાં. બેઠક બાદ ગેહલોતે કહ્યું કે, ઈન્દિરા ગાંધીના સમયથી પક્ષનો કોઈ પણ પ્રમુખ રહ્યા હોય મેં મારી જવાબદારી પ્રામાણિકતાથી નિભાવી છે. જ્યારે રાહુલ ગાંધીએ નિર્ણય લીધો ત્યાર બાદ જે ઘટના બની ત્યારે તે ઘટનાએ મને હચમચાવી દીધો છે. દેશભરમાં મેસેજ ગયો કે હું સીએમ તરીકે ચાલુ રહેવા માંગુ છું. મેં આ માટે સોનિયા ગાંધીની માફી માંગી છે. હું કોંગ્રેસનો વફાદાર છું અને મેં કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે.
અશોક ગેહલોત સોનિયા ગાંધીને મળવા ગયા ત્યારે તેમની સાથે એક કાગળ હતો. તેમાં લખ્યું હતું કે જે થયું તે ખૂબ જ દુઃખદ છે, હું પણ ખૂબ જ દુઃખી છું. વાસ્તવમાં કોંગ્રેસ પાસે અત્યારે રાજ્યોમાં પણ મજબૂત નેતા નથી. દેશનાં ગણીને બે રાજ્યોમાં કોંગ્રેસની સરકારો છે. છત્તીસગઢ અને રાજસ્થાન એ બે જ રાજ્યમાં કોંગ્રેસી મુખ્યમંત્રી છે. તેમાં ગેહલોત વધારે સીનિયર છે અને રાજકીય રીતે પણ વધારે તાકાતવર છે. ભાજપના લાખ પ્રયત્નો છતાં ગેહલોતે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારને ટકાવી રાખીને પોતાની જાદુગરી સાબિત કરી છે. ગેહલોતને નારાજ કરવા જતાં રાજસ્થાનથી હાથ ધોવા પડે એવો સોનિયા-રાહુલને ડર છે તેથી ગેહલોત સામે કશું કરવાની હિંમત બતાવી શકતાં નથી.
બીજી તરફ રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓનું રાજકીય ભાવિ ડામાડોળ છે. કેમ કે રાહુલ ગાંધીમાં નેતૃત્વના ગુણો નથી. આ સંજોગોમાં કોંગ્રેસને ટકાવવી હોય તો રાજ્યોના મજબૂત નેતાઓ પર જ નિર્ભર રહેવું પડે.  રાજસ્થાનમાં કોંગ્રેસ હાઈકમાન્ડ કટોકટીનો અંત લાવવા માટે જેટલા પ્રયાસો કરી રહી છે તેટલી જ વધુ સમસ્યાઓ વધતી જોવા મળી રહી છે. એક તરફ અશોક ગેહલોતની સોનિયા ગાંધી સાથે દિલ્હીમાં મુલાકાત ચાલી રહી છે, તો જયપુરમાં હંગામો તેજ થયો છે. અશોક ગેહલોતના ધારાસભ્ય ગોવિંદ રામ મેઘવાલે હવે ધમકી આપી છે કે જો અન્ય જૂથના નેતાને સીએમ બનાવવામાં આવશે તો અમારા તમામ ધારાસભ્યો રાજીનામું આપી દેશે. 
અશોક ગેહલોત બાદ સચિન પાયલટ પણ સોનિયા ગાંધીને મળશે. આ દરમિયાન મધ્યપ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશન ફોર્મ ભર્યું છે.