દિલ્હીમાં 31 વર્ષીય મહિલા મંકીપોક્સથી સંક્રમિત, દેશમાં કુલ 9 કેસ નોંધાયા

August 03, 2022

દિલ્હીઃ દિલ્હીમાં એક મહિલા મંકીપોક્સથી સંક્રમિત થઈ છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે 31 વર્ષની નાઈજીરિયન મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અધિકારીએ કહ્યું કે આ દેશમાં પ્રથમ મહિલા છે જેમાં મંકીપોક્સના સંક્રમણની પુષ્ટિ થઈ છે. 

સૂત્રોએ જણાવ્યું કે મહિલાને તાવ છે અને તેના હાથમાં ઘાવ છે, અને તેને લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે તેના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા અને બુધવારે તેમાં સંક્રમણની પુષ્ટિ થઈ. તેમણે કહ્યું કે હાલમાં મહિલાની વિદેશ યાત્રાની કોઈ જાણકારી મળી નથી. 

રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધી ચાર લોકોમાં મંકીપોક્સની પુષ્ટિ થઈ છે. તો પાંચ કેસ કેરલમાં સામે આવ્યા છે. અત્યાર સુધી દેશમાં 9 લોકો મંકીપોક્સથી સંક્રમિત થયા છે. દિલ્હી અને કેરલમાં એક-એક દર્દીને હોસ્પિટલમાંથી રજા મળી છે. તો કેરલમાં સંક્રમણને કારણે એકનું મોત થયું છે. 


મંકીપોક્સના વધતા કેસો વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે મહામારીથી બચવા માટે 'શું કરો અને શું ન કરો' સંબંધિત એક યાદી જાહેર કરી છે. મંત્રાલયે કહ્યું કે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી કે વારંવાર સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવે છે તો તે પણ સંક્રમિત હોઈ શકે છે.