કોરોના દેશમાં:106 દિવસમાં મોતનો આંકડો સૌથી ઓછો 460 રહ્યો

October 26, 2020

નવી દિલ્હી : કોરોનાના આંકડા સતત ઘટી રહ્યા છે. રવિવારે 45 હજાર 65 નવા કેસ નોંધાયા જે 96 દિવસમાં સૌથી ઓછા કેસ છે. આનાથી ઓછા 39 હજાર 170 કેસ 21 જુલાઈએ નોંધાયા હતા. આ પ્રકારે મોતનો આંકડો પણ છેલ્લા 24 કલાકમાં 460 રહ્યો છે. જે છેલ્લા 106 દિવસમાં સૌથી ઓછો છે. આ પહેલા 5 જુલાઈએ 421 કેસ નોંધાયા હતા.

રવિવારે 58 હજાર 180 દર્દી સાજા થયા. આનાથી એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 13 હજાર 583નો ઘટાડો થયો. હવે કુલ 6.54 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી 79.9 લાખ કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 71.33 લાખ દર્દી સાજા થઈ ચુક્યા છે, જ્યારે 1.19 લાખ સંક્રમિતોના મોત થયા છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ કોરોના પોઝિટીવ થયા છે. તેમણે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી
છેલ્લા પાંચ દિવસોમાં રિકવરી રેટમાં 2%નો વધારો થયો છે. 19 ઓક્ટોબરે 87% રિકવરી રેટ હતો, જે હવે 89.74% થઈ ગયો છે.
16 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં એક્ટિવ કેસ પાંચ હજારથી ઘટી ગયા છે. સૌથી ઓછા દાદરા નગર હવેલીમાં 51, મિઝોરમમાં 175, આંદામાન-નિકોબારમાં 204, સિક્કીમમાં 242 દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર, પુડ્ડુચેરી, ગોવા, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, લદ્દાખ અને ચંદીગઢમાં પણ એક્ટિવ કેસની સંખ્યા ઓછી છે.
ભારત બાયોટેકને વેક્સિનના મોટા સ્તરે ટ્રાયલ કરવાની મંજૂરી મળી ગઈ છે. ફર્મે 12 થી 14 રાજ્યોના 20 હજાર વોલેન્ટિયર્સ પર ટ્રાયલની તૈયારીઓ શરૂ કરી દીધી છે.