જે દેશમાં ગયા છો, ત્યાં જ શરણ લો: બ્રિટને આપ્યો ઝટકો

August 06, 2024

બાંગ્લાદેશ હજુ પણ હિંસાની આગમાં બળી રહ્યું છે. દેશમાં ચોથી ઓગસ્ટે હિંસા શરૂ થયા બાદ વડાંપ્રધાન શેખ હસીનાએ પદ પરથી રાજીનામું આપી, દેશ છોડી ભારતમાં આશ્રય લેવાની ફરજ પડી છે. ભારતમાં આવ્યા બાદ હસીના કેટલાક કારણોસર બ્રિટન જવા માંગતા હતા, જોકે બ્રિટને કેટલાક નિયમોનો ઉલ્લેખ કરી તેમને આશ્રય આપવાનો ઈન્કાર કરી દીધો છે. બ્રિટને કહ્યું કે, અમારા ઈમિગ્રેશન નિયમો કોઈ વ્યક્તિને આશ્રય લેવા માટે આવવા અથવા કામચલાઉ રહેઠાણ માટે મંજૂરી આપતો નથી. બ્રિટિશ ગૃહ મંત્રાલયે એવું પણ કહ્યું છે કે, કોઈ વ્યક્તિ જે દેશમાં સૌથી પહેલા સુરક્ષીત પહોંચ્યો હોય, ત્યાં જ તેમણે આશ્રય માંગવો જોઈએ. બ્રિટિશ ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ જો કોઈને સુરક્ષા જોઈતી હોય તો તેઓ જ્યાં પહેલાં પહોંચ્યા હોય, ત્યાં આશ્રય લેવો જોઈએ. જોકે હજુ એ સ્પષ્ટ નથી થયું કે, બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાને બ્રિટન પાસે આશ્રય માંગ્યો છે કે નહીં. હિંસામાં દેશ ભડકે બળ્યા બાદ શેખ હસીનાને રાજીનામું આપ્યા બાદ સોમવારે દેશ છોડવો પડ્યો હતો.