દિલ્હી MCD પેટાચૂંટણીમાં AAPનો 'ચોગ્ગો', ભાજપ-0, AAPના કાર્યકરોએ કહ્યું- 'થઈ ગયું કામ, જય શ્રીરામ'

March 03, 2021

નવી દિલ્હી : દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના 5 વોર્ડની પેટાચૂંટણીના પરિણામો આવ્યા છે. આ વોર્ડ 62N (શાલીમાર બાગ ઉત્તર), 8-E (કલ્યાણપુરી), 2-E (ત્રિલોકપુરી), 32N (રોહિણી-સી) અને 41-E (ચૌહાણ બાંગડ) છે. તેમાંથી 4 વોર્ડમાં AAPના ઉમેદવારો વિજેતા થયા છે. માત્ર એક જ વોર્ડ (ચૌહાણ બાંગડ) કોંગ્રેસના ખાતામાં ગયોછે, જ્યારે ભાજપ તો પોતાનું ખાતું પણ ખોલી શક્યું નથી.

કલ્યાણપુરીથી AAPના ધીરેન્દ્ર કુમારે 7,259 મતોથી જીત મેળવી છે, તેમનો મુકાબલો ભાજપના સિયારામ સામે હતો. શાલીમાર બાગ ઉત્તરથી AAPની સુનિતા મિશ્રા 2,705 મતોથી વિજયી થઈ. ફ્ક્ત એક જ વોર્ડ ચૌહાણ બાંગડથી કોંગ્રેસના ઝુબૈર અહેમદ જીત્યા છે. તેમણે AAPના ઇશરાક ખાનને 10,642 મતોથી હરાવ્યા છે. ત્રિલોકપુરીમાં AAPના વિજય કુમારે ભાજપના ઓમપ્રકાશને 4,986 મતોથી પરાજિત કર્યા છે. જ્યારે, રોહિણી-સી થી AAPના રામચંદ્રએ ભાજપના રાકેશ ગોયલને 2,985 મતોથી હરાવ્યા છે.

પેટાચૂંટણીમાં જીત મુદ્દે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ AAPના કાર્યકરોને અભિનંદન આપ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું- ભાજપના શાસનથી દિલ્હીની જનતા હવે દુખી થઈ ચૂકી છે. આગામી વર્ષે યોજાનાર MCD ચુંટણીમાં જનતા અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારી અને કામ કરનારી રાજનીતિને લઈને જ આવશે.

આ વોર્ડ માટે AAP, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો હતો. આમાંથી 4માં પહેલા પણ AAPના કાઉન્સિલર હતા. માત્ર શાલીમાર બાગ ઉત્તર ભાજપના કબજામાં હતું. આ વોર્ડની પેટાચૂંટણી માટે 28 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયુ હતું. આ દરમિયાન 50.86%થી વધુ મતદાન થયું હતું. સૌથી વધુ (59.19%) મતદાન કલ્યાણપુરી વોર્ડમાં થયું હતું. સૌથી ઓછું (43.23%) શાલીમાર બાગ ઉત્તર વોર્ડમાં થયુ હતુ.

આ પેટાચૂંટણીને આવતા વર્ષે યોજાનાર MCD ચૂંટણીની સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે. આ જ કારણ છે કે આમ આદમી પાર્ટીને લઈને ભાજપ અને કોંગ્રેસે તેમાં સમગ્ર તાકાત લગાવી દીધી હતી. AAPની તરફથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વયં પ્રચારની વ્યવસ્થા સંભાળી હતી.