સાંજના 7 સુધી ધમધમશે ગુજરાત:મિનિ લોકડાઉનના અનલોકમાં આજથી આ મોટા ફેરફારો

June 11, 2021

અમદાવાદ : ગુજરાત સરકારે 9મી જૂને મંદિર તથા હોટલ-રેસ્ટોરન્ટ, જીમ અને બગીચા 11 જૂનથી શરતોને આધિન શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેને પગલે આજથી રાજ્યમાં ધંધા-રોજગાર અને ખાણીપીણીથી લઈ જાહેર કાર્યક્રમોમાં અનેક મોટા ફેરફાર થયા છે. આજથી 15 દિવસ એટલે કે 26મી જૂન સુધી આ ફેરફારો સાથે ગુજરાત દોડશે.

આજ(11 જૂન)થી 26 જૂન સુધી હોટલ-રેસ્ટોરન્ટમાં સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી કુલ ક્ષમતાના 50% ટકા ગ્રાહકો સાથે શરૂ કરી શકાશે. સાથે જ 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી યથાવત રાખવામાં આવ્યો છે. આ તમામ નિયંત્રણો અને છૂટછાટો 26 જૂન સુધી અમલી રહેશે.

રાજકીય-ધાર્મિક કાર્યક્રમો તથા બેસણામાં મહત્તમ 50 લોકો ભાગ લઈ શકશે. લારી-ગલ્લા, દુકાનો તથા ઑફિસોના સમયમાં પણ એક કલાકનો વધારો થયો છે. હવે સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી દુકાનો-ઑફિસો ખુલ્લા રાખી શકાશે. સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવાયું હતું કે દરેક જગ્યાએ માસ્ક સહિતના સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કડકપણે પાલન કરવાનું રહેશે.

તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9 થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે. એટલે કે હાલની સમયમર્યાદામાં 1 કલાકનો વધારો કરવામાં આવ્યો છે.

લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે 6થી સાંજે 7 સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે. જીમ્નેશિયમ 50 ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ,.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે.

રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે.

રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે. પરંતુ એક સમયે એક સાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

જૂનના અંતે એટલે 26મીએ કોરોનાની સમીક્ષા કર્યા પછી વધુ છૂટછાટના નિર્ણય લેવાશે. નાઈટ કર્ફ્યૂ 9ના બદલે રાત્રે 11થી સવારે 6 સુધી થઈ શકે છે, કડક નિયંત્રણો સાથે સ્વિમિંગ પૂલ ચાલુ થઈ શકે છે પણ સિનેમાગૃહો, મલ્ટિપ્લેક્સ માટે હજુ રાહ જોવી પડશે.