ટોક્યો ઓલિમ્પિક પહેલાં જ ભારતીય ટેનિસ વિવાદમાં,  બોપન્ના-એઆઈટીએ આમનેસામને 

July 21, 2021

નવી દિલ્હી : ટોક્યો ઓલિમ્પિક શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે અને તે પહેલાં ભારતીય ટેનિસમાં મોટો વિવાદ સર્જાયો છે. ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ ટ્વિટ કરીને ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિયેશન (આઇટા) સામે ગંભીર આક્ષેપ કરીને જણાવ્યું હતું કે એસોસિયેશને ખેલાડીઓને ગુમરાહ કર્યા છે. આઇટાએ પોતાના ખેલાડીઓ, સરકાર તથા મીડિયાને ખોટી માહિતીઓ આપી છે. આઇટાએ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના ક્વોટા કે એન્ટ્રી અંગે જે પણ નિવેદનો કર્યા છે તે વાહિયાત છે અને સદંતર ખોટા છે.  બોપન્નાએ જણાવ્યું હતું કે આઇટાએ સુમિત નાગલની મારી સાથે જોડી બનાવીને જાહેરાત કરી હતી કે ક્વોલિફિકેશન કરવાનો હજુ પણ સમય છે, પરંતુ નિયમ અનુસાર તે રેન્કિંગના આધારે હવે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવાથી વંચિત રહી ગયો છે. બીજી તરફ આઇટાએ પણ વળતો જવાબ આપીને જણાવ્યું હતું કે અમે માત્ર મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે તેઓ પોતાના રેન્કિંગના આધારે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહ્યા છે. બોપન્નાએ આક્ષેપ કર્યા બાદ સિનિયર ખેલાડી સાનિયા મિર્ઝાએ પણ ટ્વિટ કરીને આ બાબતને શરમજનક ગણાવી હતી. સાનિયાએ જણાવ્યું હતું કે જો આ બાબત સત્ય હોય તો તે બિલકુલ હાસ્યાસ્પદ અને શરમજનક છે. આનો સીધો મતલબ એ થાય છે કે ભારતે ઓલિમ્પિકની ટેનિસ ઇવેન્ટનો મિક્સ ડબલ્સનો મેડલ જીતવાની તક ગુમાવી દીધી છે. અમને બંનેને જણાવાયું હતું કે તમારું અને સુમિતનું નામ આપવામાં આવ્યું છે. આઇટાએ ટોક્યો પહેલાં બોપન્ના અને દિવિજ શરણના નામના નોમિનેશનની જાહેરાત કરી હતી. વર્તમાન સમયમાં બોપન્નાનું રેન્કિંગ ૩૮ તથા શરણનું ૭૫ છે. બંનેનું સંયુક્ત રેન્કિંગ ૧૧૩નું છે જેના કારણે તેઓ ક્વોલિફિકેશન કરી શક્યા નથી.