દેશમાં છેલ્લા 24 કલાકમાં આ વર્ષના સૌથી વધુ કોરોના કેસ નોંધાયા, એક્ટિવ કેસ સાત હજારને પાર

March 23, 2023

દેશમાં કોરોનાના રોજેરોજ વધતા કેસોએ ચિંતા વધારી દીધી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 1,300 નવા કેસ નોંધાયા છે, જે વર્ષ 2023માં એક દિવસમાં સૌથી વધુ કેસ છે. આરોગ્ય નિષ્ણાતો અનુસાર, XBB 1.16 વેરિઅન્ટના કારણે દેશમાં કોરોનાના કેસે ગતિ પકડી છે. સાથે જ  દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 7,605 પર પહોંચી ગઈ છે. સક્રિય કેસનો દર હાલમાં 0.02% છે. છેલ્લા 24 કલાકમાં,  7,530 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

જો આપણે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 718 દર્દીઓ સ્વસ્થ  પણ થયા છે, આ સાથે જ કોરોનામાંથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 4,41,60,997 પર પહોંચી ગઈ છે. રિકવરી રેટ હાલમાં 98.79% છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરાનાના 89,078 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, આ સહિત અત્યાર સુધીમાં 92.06 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે દેશમાં કોરોનાના 1134 નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય સચિવે ભૂતકાળમાં મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકને પત્ર લખીને પરીક્ષણ, સારવાર, ટ્રેકિંગ અને રસીકરણ પર ભાર મૂકવા જણાવ્યું હતું.

દેશમાં છેલ્લા ઘણા સમયથી કોરોના કેસ વધી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. મળતી વિગતો મુજબ, કોરોનાના વધતા જતાં કેસો વચ્ચે PM મોદીએ પરિસ્થિતિ અને જાહેર આરોગ્યની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.

કેરળમાં કોરોનાના કેસોમાં વધારો થવા લાગ્યો છે. રાજ્ય સરકારે ગઈકાલે તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દીધું છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે, રાજ્યમાં મંગળવારે 172 કોરોના કેસ નોંધાયા છે. તિરુવનંતપુરમ અને એર્નાકુલમ જિલ્લામાં સૌથી વધુ વધુ કોરોના કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલમાં 1026 સક્રિય કેસ છે, જેમાંથી 111 લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તમામ જિલ્લાઓને એલર્ટ કરાયા છે. જિલ્લાઓને પણ મોનિટરિંગ મજબૂત કરવા સૂચનાઓ અપાઈ છે.