છેલ્લી ઘડીઓમાં એડી ચોટીનું જોર લગાવી ઉમેદવારોનો મતદારોને રિઝવવાનો પ્રયાસ

November 29, 2022

સુરત:ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલાં રાજકીય પક્ષના ઉમેદવારોએ બાઈક અને વાહન રેલી કાઢીને પોતાનું શક્તિપ્રદર્શન કર્યું હતું. રાજકીય પક્ષોના ઉમેદવારોના શક્તિપ્રદર્શન સાથે સાથે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. ડોર ટુ ડોર પ્રચાર બંધ થવા સાથે સોશ્યલ મિડિયામાં પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. સોશ્યલ મિડિયા જાત જાતના મેસેજથી ઉભરાઈ રહ્યું છે અને તમામ  રાજકીય પક્ષો મતદારોને રિઝવાવ માટેના તમામ પ્રયાસ કરી રહ્યાં છે.

મતદાન આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે આજે સવારથી વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોએ પોતાના મત  વિસ્તારમાં બાઈક અને વાહન રેલી કાઢી હતી. આ રેલીમાં પ્રચારમાં બાકી રહી ગયેલા તમામ વિસ્તારને આવરી લેવાનો પ્રયાસ કર્યો હતો. સુરતના કેટલાક વિધાનસભા વિસ્તાર એટલા મોટા છે કે જેમાં વાહન રેલી પણ ઓછી પડી શકે તેવા છે. તેમ છતાં રાજકીય પક્ષોએ આજે સવારથી જ પોતાના વિસ્તારમાં બાઈક રેલી સાથે શક્તિ પ્રદર્શન કરવા ઉપરાંત મતદારોને રિઝવવા માટેનો પ્રયાસ કર્યો હતો.

ચુંટણી જાહેર થવાની સાથે જ કેટલાક રાજકીય પક્ષો સોશ્યલ મિડિયામાં ભરપુર્ પ્રચાર કરતાં જોવા મળ્યા હતા. પરંતુ સાંજે મતદાન માટેની અવધી પુરી થયાં પહેલાં જ સોશ્યલ મિડિયા ઘણું જ આક્રમક બની ગયું હતું. રાજકીય પક્ષો પોતાનો પ્રચાર કરવા સાથે સાથે એક બીજા પર કાદવ ઉછાળવાન પ્રવૃત્તિ પર આક્રમક બનાવી દીધી છે. આ ઉપરાંત ડોર ટુ ડોર અને માઉથ ટુ માઉથ પ્રચાર માટે પણ રાજકીય પક્ષના નેતા-કાર્યકરો તનતોડ મહેનત કરી રહ્યાં છે.