સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કહ્યુંઃ મ્યાંમારમાં કસ્ટડીમાં પુરાયેલા નેતાઓની મુક્તિ અને હિંસા ખતમ કરવાની માંગ કરતા રહીશું

May 02, 2021

નવી દિલ્હીઃ ભારતે મ્યાંમારમાં વ્યાપેલી હિંસા રોકવાના અને તમામ પક્ષોને સંયમ વર્તવાનો આગ્રહ કરતી દક્ષિણ-પૂર્વ એશિયાઈ રાષ્ટ્રોના સંગઠન (આસિયાન)ની પહેલનું સ્વાગત કર્યું છે. ભારતે ફરી એક વખત મ્યાંમારમાં કસ્ટડીમાં રાખવામાં આવેલા નેતાઓને મુક્ત કરવાની વિનંતી કરી છે.  આસિયાનની પાંચ-સૂત્રીય સર્વસંમતિમાં મ્યાંમારમાં તાત્કાલિક હિંસાને અંકુશમાં લેવામાં આવે અને તમામ દળો અત્યંત સંયમથી વર્તે તેવું કહેવામાં આવ્યું છે. સંબંધિત તમામ પક્ષો વચ્ચેનો રચનાત્મક સંવાદ લોકોના હિતમાં એક શાંતિપૂર્ણ સમાધાનની શોધની શરૂઆત કરશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની શુક્રવારે યોજાયેલી મ્યાંમાર સંબંધિત બેઠકમાં ભારતનું વલણ સામે આવી ગયું હતું. 
પરિષદની બેઠક બાદ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરૂમૂર્તિએ એક ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, ભારત આસિયાનની પહેલ અને 5 બિંદુઓ પર બનેલી સર્વસંમતિનું સ્વાગત કરે છે. ભારત આસિયાનના પ્રયત્નોને મજબૂત બનાવશે તથા સુરક્ષા પરિષદ અને સંયુક્ત રાષ્ટ્રએ તેમના પ્રયત્નોનું સમર્થન કરવું જોઈએ. ભારત કસ્ટડીમાં બંધ નેતાઓને મુક્ત કરવા અને હિંસા સમાપ્ત કરવા પર જોર આપતું રહેશે. સ્થિતિ પર નવી દિલ્હીનું વલણ સતત સમાન બનેલું છે.