અમેરિકામાં મે પછી પ્રથમવાર એક દિવસમાં ૨૦૧૫ મોત

November 22, 2020

નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે. અમેરિકામાં એટલી હદે પરિસ્થિતિ કાબૂ બહાર છે કે મે મહિના બાદ સૌપ્રથમવાર એક દિવસમાં ૨,૦૧૫નાં મોત નોંધાયા છે, ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો પુત્ર જુનિયર ટ્રમ્પ પણ કોરોના પોઝિટિવ જાહેર થયો છે. બીજી તરફ કેનેડાના ટોરેન્ટોમાં કોરોનાના સંક્રમણમાં ભારે વધારાને પગલે ૨૮ દિવસ માટે લોકડાઉન લદાયું છે. રશિયામાં પણ એક દિવસમાં ૨૫,૦૦૦ કેસ અને ૪૬૭ મોત નોંધાયા હતાં. દુનિયામાં અત્યાર સુધીમાં ૫.૭૮ કરોડથી વધારે સંક્રમિત છે. ૧૩.૭૬ લાખ લોકોનાં મોત થયાં છે અને ૪.૦૩ કરોડ લોકો સાજા પણ થઈ ગયા છે. હાલમાં વિશ્વમાં ૧.૬૪ કરોડ દર્દીઓની સારવાર ચાલી રહી છે. અમેરિકામાં સંક્રમિતોના આંકડા ઝડપથી વધી રહ્યા છે. વધારે મુશ્કેલ બાબત એ છે કે કોરોના વાઇરસથી મરવાવાળાની સંખ્યામાં પણ તીવ્રગતિએ વધારો થઈ રહ્યો છે. જાણકારો શંકા વ્યક્ત કરે છે કે આઝાદીના નામે કડક પગલાંને હજુ પણ ટાળવામાં આવશે તો દેશની હોસ્પિટલ્સમાં દર્દીઓ માટે જગા જ નહીં બચે. ૨૪ કલાકમાં અમેરિકામાં સંક્રમિતોની સંખ્યામાં ૧.૯૮ લાખનો વધારો થયો હતો. હવે કુલ સંક્રમિતોની સંખ્યા ૧ કરોડ ૨૨ લાખથી વધારે છે. અત્યાર સુધીમાં અમેરિકામાં કોરોનાના કારણે ૨.૬૦ લાખનાં મોત થઈ ચૂક્યા છે.
કેનેડાના સૌથી મોટા શહેર ટોરેન્ટોમાં સોમવારથી ૨૮ દિવસનો લોકડાઉન લાદવામાં આવ્યો છે. કોવિડ-૧૯ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાના કારણે સત્તાવાળાઓએ દુકાનો, બિઝનેસિસ, રેસ્ટોરન્ટ્સ બંધ કરાવ્યા છે તથા ઇનડોર ગેધરિંગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.