ચીન-પાકિસ્તાનનો રાષ્ટ્રસંઘની માનવાધિકાર પરિષદમાં સમાવેશ

October 15, 2020

વોશિંગ્ટન : સમગ્ર વિશ્વમાં માનવાધિકારોના રક્ષણ માટેની જવાબદારી ધરાવતા સંયુક્ત રાષ્ટ્રસંઘની માનવાધિકાર પરિષદમાં મંગળવારે એવા દેશોનો સમાવેશ થયો હતો કે જેમની વિરુદ્ધ માનવાધિકારોના ભંગના ગંભીર આરોપો મુકાતા રહ્યા છે. મહાસભામાં મંગળવારે કરવામાં આવેલા મતદાનમાં આ માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાન અને નેપાળ ફરી ચૂંટાઈ આવ્યા જ્યારે ચીન પાતળી સરસાઈથી એક બેઠક જીત્યું હતું. સાઉદી અરેબિયા આ ચૂંટણીમાં પરાજિત થયું હતું. ૨૦૧૬માં બે મતથી પરાજિત થનારા રશિયાએ ૧૫૮ મતની સાથે પરિષદમાં પુનરાગમન કર્યું હતું. આ માનવાધિકાર પરિષદમાં ચીન, રશિયા અને ક્યૂબા જેવા સરમુખત્યારશાહી દેશો ચૂંટાઈ આવતા અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રસંઘની ટીકા કરી હતી. ચીને ૨૦૧૬માં ૧૮૦ મત મેળવ્યા હતા એની સામે મંગળવારે થયેલા મતદાનમાં ૧૩૯ મત મેળવ્યા હતા. દરમિયાનમાં અમેરિકાના વિદેશ મંત્રી પોમ્પીઓએ ચીન, રશિયા અને ક્યૂબાનો સંયુક્ત રાષ્ટ્રસંઘની માનવાધિકાર પરિષદમાં સમાવેશ બદલ ટીકા કરી જણાવ્યું હતું કે, આ જોતા પરિષદમાંથી નીકળી જવાનો અમેરિકાનો નિર્ણય યોગ્ય જ જણાય છે.