સુરતમાં ઈન્કમટેક્ષના ધામા, સતત ચોથા દિવસે આવકવેરાના દરોડા યથાવત

December 06, 2022

અમદાવાદ  : ગુજરાતમાં વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણી પૂર્ણ થયાનાં બીજા દિવસથી સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા હીરા બજારમાં ધાનેરા ડાયમન્ડ કંપનીના અલગ અલગ યુનિટમાં રેડ કરવામાં આવી રહી છે અને ઇન્કમટેક્સ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કંપનીના વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે. ચૂંટણી બાદ સતત આવકવેરાની ઇન્વેસ્ટિગેશન વિંગના દ્વારા  હીરાની પેઢીઓ ઉપર દરોડા પાડી બેનામી વ્યવહારો પકડવામાં આવ્યા છે. 

ગુજરાતમાં વિધાનસભા -2022ની ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. ત્યારે સ્વાભાવિક છે કે સૌ કોઇનું ધ્યાન ચૂંટણી પરિણામ પર રહેલુ છે. જો કે ચૂંટણીના માહોલ વચ્ચે ઇન્કમટેક્સ વિભાગે સુરતની નામાંકિત હીરા વેપારીઓની કંપની ઉપર તવાઇ બોલાવી છે. આજે સતત ચોથા દિવસે પણ સુરતમાં હીરા વિભાગની કેટલીક કંપનીઓમાં ઇન્કમ ટેક્સ વિભાગની રેડ યથાવત છે. તેથી આ દરોડાને કારણે હીરાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરતમાં આવેલા મહિધરપુરા હીરા બજારમાં આવેલી ધાનેરા ડાયમન્ડ કંપનીમાં અલગ અલગ જગ્યાએ રેડ કરવામાં આવી હતી. જેમાં 24 સ્થળે તપાસ પૂરી થતાં 200 કરોડના બિન હિસાબો દર્શાવતા ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. ત્યારે આ બેનામી વ્યવહારોનો આંક 1500 કરોડે પહોંચી ચુક્યો છે. ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા હીરા પેઢીઓ ઉપર દરોડા પાડી બેનામી વ્યવહારો પકડવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા પછી પણ ઈન્કમટેક્સ વિભાગના દરોડા ચાલુ રહ્યાં છે. પરંતુ હવે મતદાન પુરૂ થતાં જ સુરતમાં ફરીવાર દરોડા પડ્યાં છે. હીરા ઉદ્યોગ અને બિલ્ડરોને ત્યાં સુરતમાં વહેલી સવારથી જ આવકવેરા વિભાગની ટીમો ત્રાટકી છે. વહેલી સવારથી જ છ વાગ્યાથી આવકવેરા વિભાગે 20થી વધુ સ્થળો પર દરોડા પાડ્યાં છે. મતદાન બાદ અચાનક દરોડા પડવાથી બિલ્ડરોમાં ફફડાટ પડી ગયો છે. બીજી તરફ હિરા ઉદ્યોગમાં પણ ફફડાટ ફેલાયો છે. 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત સહિત મુંબઈમાં પણ આ રેડનો રેલો પહોંચ્યો છે.