ભાજપની ટીકા કરનારા તાપસી પન્નુ-અનુરાગ કશ્યપના ઘરે આવકવેરાની ટીમ પહોંચી, ટેક્સ ચોરીનો આક્ષેપ

March 03, 2021

મુંબઈ : બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ, વિકાસ બહલ, એક્ટ્રેસ તાપસી પન્નુ તથા મધુ મન્ટેના ઘરે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. મધુ મન્ટેનાની ટેલેન્ટ કંપની Kwaanની ઓફિસમાં પણ આવકવેરા વિભાગના અધિકારીઓ ગયા છે. માનવામાં આવે છે કે આવકવેરા વિભાગને શંકા છે કે આ તમામે ટેક્સ ચોરી કરી છે.

માનવામાં આવે છે કે વિકાસ બહલ, અનુરાગ કશ્યપ તથા મધુ મન્ટેનાના ઘરે ફેન્ટમ ફિલ્મ્સમાં ટેક્સ ચોરી થઈ હોવાને કારણે દરોડા પડ્યા છે. આ ત્રણેય પ્રોડક્શન હાઉસના ફાઉન્ડર છે. તો અનુરાગ કશ્યપ તેનો માલિક છે. વધુમાં મધુ મન્ટેનાની કંપનીમાં આવકવેરા વિભાગને કંઈક ગડબડ થઈ હોવાની આશંકા છે. તપાસમાં મળેલા દસ્તાવેજો તથા પુરાવાને આધારે કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ટેક્સ ચોરી અંગે મુંબઈ તથા પુનામાં 22 જગ્યાએ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે.

તાપસી પન્નુ છેલ્લે 2020માં અનુભવ સિંહાની ફિલ્મ 'થપ્પડ'માં જોવા મળી હતી. તાપસી પન્નુ 'લૂપ લપેટા', 'રશ્મિ રોકેટ', 'હસીન દિલરૂબા', 'શાબાશ મિઠ્ઠુ' જેવી ફિલ્મમાં જોવા મળશે. હાલમાં જ 'સ્કેમ 1992' ફૅમ પ્રતીક ગાંધી સાથે તાપસી પન્નુ 'વો લડકી હૈ કહાં'માં જોવા મળશે. તાપસી ફિલ્મ 'દોબારા'માં પણ કામ કરી રહી છે. આટલું જ નહીં તાપસી તમિળ ફિલ્મ 'જન ગણ મન'માં પણ જોવા મળશે. તાપસીને ફીમેલ અક્ષય કુમાર કહેવામાં આવી રહી છે. તે એક પછી એક ફિલ્મ સાઈન કરી રહી છે.