કેનેડામાં ચાઈલ્ડ બેનીફીટની રકમમાં બાળકદીઠ ૩૦૦ ડોલરનો વધારો

May 10, 2020

  • દેશના ત્રણ મિલીયન પરિવારોને યોજનાનો લાભ મળવાનો અંદાજ, ૨૦૧૮માં ટેક્સ રિટર્ન ભર્યું હોય તેમને જ લાભ મળશે
ઓન્ટેરિયો: કેનેડામાં જે માતા-પિતાને કેનેડા ચાઈલ્ડ બેનીફીટ ( સીસીબી )મળે છે તેમને મે માસથી પ્રતિ બાળક ૩૦૦ .ડોલર વધારાના મળશે.
સરકાર કહે છે કે તે કોવિડ -૧૯ના ફેલાવાથી પ્રભાવિત લોકોને ખાસ કરીને માતા-પિતાને એક સાથે વધારો આપીને આર્થિક સહાય કરે છે. આ નાણાંનો ઉપયોગ તેઓ ઓનલાઈન ટયુટોરીયલ્સ માટે કરી શકે છે અથવા તો ઘરવખરીની ચીજો ખરીદવા માટે કરી શકે છે, એમ વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ રવિવારે ઓટાવા ખાતેના તેમના નિવાસસ્થાનની બહાર યોજાયેલી પત્રકાર પરીષદમાં કહ્યુંં હતું. 
તેમણે આ પ્રસારણ જોઈ રહેલા બાળકો તરફ ધ્યાન આપતા એમપણ કહ્યુંં હતું કે, આ મહામારી કેટલી ગંભીર છે કે એનાથી બચવા સોશિયલ ડીસ્ટન્સીંગ જ મહત્વનું છે. તેમણે બાળકોને કોવિડ -૧૯ બાદની સ્થિતિમાં તેમના મિત્રો સાથે રમવા કે અભ્યાસ કરવાની યોજનાઓ માટે પ્રોત્સાહિત કર્યા હતા. 
તેમણે બાળકોનો આભાર માનતા કહ્યુંં હતું કે, લોકડાઉનના સમયમાં તમે ઘરમાં રહીને માતાપિતા સાથે રહો છો એ ઘણું સારૂં છે. હવે પ્રતિ બાળક ૩૦૦ ડોલરના હિસાબે વધારો મળશે. એટલે જે પરિવારમાં બે બાળકો હોય, તેમને મહિને ૬૦૦ ડોલર અને ત્રણ બાળકો હશે તેમને ૯૦૦ ડોલર વધારાના મળશે. 
આ રાહત તેમને જ મળી શકશે જેમણે વર્ષ ર૦૧૮ના ટેક્ષ રીટર્ન ભર્યા હોય અને એમના પરિવારમાં બાળકો હોય અને એમની કાળજી રાખતા હોય. એક અંદાજ મુજબ ત્રણ મિલીયન પરિવારોને આ વધારાનો લાભ મળશે.