મહારાષ્ટ્ર સહિત દેશમાં વધ્યા કોરોના કેસ, ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં

February 22, 2021

મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં અચાનક કોરોનાના કેસ વધ્યા બાદ હવે કેન્દ્ર સરકાર પણ અન્ય રાજ્યોને લઇને સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં આવેલા અચાનક વધારાને જોતા સોમવારના દેશમાં કોવિડ-19 સ્થિતિની સમીક્ષા કરી છે. સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન, ગૃહ સચિવ અજય ભલ્લા અને બંને મંત્રાલયોના ટોચના અધિકારી સામેલ હતા.


ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ગૃહમંત્રીએ દેશમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કરી ખાસ કરીને એ રાજ્યોની જ્યાં હાલના સમયમાં કેસમાં વધારો જોવા મળ્યો. અધિકારીએ જણાવ્યું કે, બેઠકમાં ચાલી રહેલી રસીકરણની પ્રક્રિયા અને વાયરસના પ્રસાર પર લગામ લગાવવા માટે જરૂરી પગલાઓ પર ચર્ચા કરવામાં આવી. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં કોવિડ-19ના કેસોમાં અચાનક વધારાના સમાચાર સામે આવ્યા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, જ્યાં સુધી રસીકરણ બાદ મૃત્યુનો પ્રશ્ન છે. અત્યાર સુધી 41 લોકોના મોત થયા છે. આમાં હૉસ્પિટલમાં 19 લોકોના મૃત્યુ થયા છે અને હૉસ્પિટલની બહાર 22 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 2 મૃત્યુ થયા છે, પરંતુ કોઈ પણ મૃત્યુ અત્યાર સુધી વેક્સિનથી નથી જોડાયું. ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં 14,199 નવા કેસો સામે આવવાથી કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1.10 કરોડથી વધારે થઈ ગઈ છે. તો સતત પાંચમાં દિવસે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.


મંત્રાલયના જણાવેલા આંકડાઓ પ્રમાણે નવા કેસો બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,10,05,850 થઈ ગઈ છે. આ દરમિયાન, સંક્રમણથી વધુ 83 દર્દીઓના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 1,56,385 થઈ ગઈ છે. દેશમાં સંક્રમણથી અત્યાર સુધી 1,06,99,410 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે અને રાષ્ટ્રીય સ્તર પર સ્વસ્થ થવાનો દર 97.22 ટકા છે. તો મૃત્યુદર 1.42 ટકા છે. આંકડાઓ પ્રમાણે દેશમાં અત્યારે કોવિડ-19ની સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા વધીને 1,50,055 થઈ ગઈ છે, જે કુલ કેસોના 1.36 ટકા છે.