ભારતે ઈમરાનને પોતાના એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી; 2 વર્ષ પહેલાં મોદીને PAKના આકાશમાંથી પસાર થવાની મંજૂરી પણ મળી ન હતી

February 23, 2021

કોલંબો : 

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન આજે બે દિવસની શ્રીલંકાની મુલાકાતે જઈ રહ્યાં છે. ભારતે તે માટે પાકિસ્તાન એરફોર્સના પ્લેનને પોતાના એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. ખાસ વાત એ છે કે 2019માં જ્યારે નરેન્દ્ર મોદી અમેરિકા અને સાઉદ આરબની મુલાકાતે ગયા હતા, ત્યારે પાકિસ્તાને ભારતીય વડાપ્રધાનના એરક્રાફ્ટને પોતાના એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી ન હતી.

ઈન્ટરનેશનલ એવિએશન ઓર્ગેનાઈઝેશનના રૂલ્સ મુજબ, VVIP ફ્લાઈટ્સને એરસ્પેસના ઉપયોગ કરવાની મંજૂરી આપવાની હોય છે. પાકિસ્તાને તેનું ઉલ્લંઘન કર્યું હતું. ભારતે આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કર્યું છે.


ઈમરાન ખાન મંગળવારે બે દિવસની મુલાકાત પર શ્રીલંકા પહોંચી રહ્યાં છે. જો કે આ મુલાકાત પહેલાં જ તેઓને ગોટબાયા રાજપક્ષેની સરકારે ઘણો જ મોટો કૂટનીતિક ઝટકો આપ્યો છે. ઈમરાન હવે શ્રીલંકાની સંસદમાં સંબોધન નહીં કરી શકે. માનવામાં આવે છે કે રાજપક્ષેનું આ પગલું ભારતની નારાજગીથી બચવા માટે ઉઠાવવામાં આવ્યું છે. એક સપ્તાહ પહેલાં જ્યારે ઈમરાનની શ્રીલંકા મુલાકાતનું શેડ્યૂલ નક્કી કરાયું હતુ ત્યારે સંસદમાં તેમના ભાષણનો કાર્યક્રમ હતો. બાદમાં રાજપક્ષે સરકારને લાગ્યું કે ઈમરાન કાશ્મીરનો ઉલ્લેખ કરી શકે છે, તેથી તેની સ્પીચને શેડ્યૂલમાંથી હટાવી દેવામાં આવી છે.

કોલંબોના અખબારમાં આર્ટિકલ
સોમવારે શ્રીલંકાના અખબાર 'કોલંબો ગેજેટ'માં પાકિસ્તાનના એક્સપર્ટ ડાર જાવેદનો આર્ટિકલ પબ્લિશ થયો હતો. જેમાં ડારે લખ્યું હતું કે- ઘણી જ સ્પષ્ટ વાત એ છે કે શ્રીલંકા ભારતની નારાજગીનું જોખમ ન લઈ શકે. તેઓ પહેલેથી જ ચીનના દેવામાં ડૂબેલા છે અને ભારત વેક્સિન સહિત દરેક મોર્ચે તેમની મદદ કરી રહ્યું છે. હાલમાં જ ભારતે પાંચ લાખ વેક્સિન શ્રીલંકાને મોકલી હતી. આમ પણ ત્યાં મુસ્લિમનો લઈને બૌદ્ધ સમાજમાં નારાજગી જોવા મળી રહી છે.


જાવેદના જણાવ્યા મુજબ- 2012માં ઈમરાને તાલિબાનનું સમર્થન કરતા કહ્યું હતું કે તેઓ એક પવિત્ર યુદ્ધ લડી રહ્યાં છે અને ઈસ્લામમાં આ માન્ય છે. યુનાઈટેડ નેશન્સમાં તેઓએ મુસ્લિમોનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઓક્ટોબર 2020માં જ્યારે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોં વિરૂદ્ધ અપમાનજકન અને ભડકાઉ ભાષણ આપ્યા હતા. શ્રીલંકાની સરકારને આશંકા હતી કે ઈમરાન તેમની સંસદનો ઉપયોગ પોતાના એજન્ડા માટે કરી શકે છે.