ભારત અને કેનેડા ઈન્ડો. પેસિફિક વિસ્તારમાં નવી તકો શોધી રહ્યાં છે : મેલેની જોલી

January 28, 2022

- બંને દેશો રાજકીય અને આર્થિક સ્થિરતા તથા પ્રાદેશિક સામર્થ્ય સાથે વ્યાપાર અને આર્થિક સહકારમાં આગળ વધનારા છે
ઓટાવા : ભારતના પ્રજાસત્તાક દિને કેનેડાએ તેના પાટનગર OTTAWAનું નામ દર્શાવતા વિશાળ અક્ષરોને કેસરી, શ્વેત અને લીલા રંગોથી ઝળહળાવ્યા હતા. આ ભારત પ્રત્યેની કેનેડાની સુહૃદયતા દર્શાવતા હતા. તે દિવસે કેનેડાનાં વિદેશમંત્રી મેલેની જોલીએ તેમના વક્તવ્યમાં, ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં સાથે મળી કામ કરવા ઉપર ભાર મુક્યો હતો. આ સાથે તેઓએ તે વિસ્તારમાં નવી તકો શોધવા અંગે કહ્યું હતું કે, બંને દેશો આ ક્ષેત્રમાં સહકારથી કામ કરી જ રહ્યા છે.

 

આપણે તે ક્ષેત્રે કાર્યરત રહેશું પણ ખરાં. ઓટાવા સ્થિત ભારતીય હાઈકમીશને આયોજેલા 'વર્ચ્યુઅલ રીપબ્લિક ડે સેલિબ્રેશન્સ'માં જોલી મુખ્ય અતિથિ હતાં. તેઓએ તેમનાં વક્તવ્યમાં કહ્યું હતું કે - 'બંને દેશો ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં નવી તકો શોધવા સાથે મળી કામ કરી રહ્યા છે.' તેઓએ વધુમાં કહ્યું હતું કે 'પેસિફિકને સ્પર્શતા દેશો તરીકે આપણે સમાન હેતુઓ ધરાવીએ છીએ. સાથે એ વિસ્તારમાં શાંતિ-સ્થિરતા અને સમૃધ્ધિ વધે તે માટે પણ સક્રિય છીએ.' આ વક્તવ્યમાં કોવિદ-૧૯નો સામનો કરવા માટે ભારતે સિદ્ધ કરેલા ૧.૫ બિલિયન ડોઝ (૧.૫ અબજ વેક્સિનેશન્સ)ના આંકની પ્રશંસા કરી હતી.
આ સમયે ભારતના હાઈ કમીશનર અજય બીસારિયાએ પણ ઈન્ડો-પેસિફિક રીજીયનમાં, કેનેડા સાથે સહકારથી કાર્ય કરવાની ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેઓએ સુશ્રી જોલીના જ વિધાનોને સવિસ્તાર કરતાં કહ્યું હતું કે 'ભારત અને કેનેડા પેસિફિક દેશો તરીકે અને G-20   ઈકોનોમીઝ તરીકે પણ નૈસર્ગિક ભાગીદારો છે. આ સાથે બીસારીયાએ તે પણ ઉલ્લેખ કર્યો હતો કે ભારત આ વર્ષે તેનાં સ્વાતંત્ર્યનો 'અમૃત મહોત્સવ' ઉજવી રહ્યું છે.
આ પ્રસંગે કેનેડાના સંરક્ષણ મંત્રી પદે રહેલા અનીતા આનંદ પણ ઉપસ્થિત હતાં તેઓએ પણ પ્રજાસત્તાક દિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.