ભારતે WTOની બેઠકમાં ચોખા-ઘઉં નિકાસ પર મૂકેલા પ્રતિબંધનો બચાવ કર્યો

September 23, 2022

ભારતે વિશ્વ વેપાર સંગઠનની બેઠકમાં પોતે ચોખા અને ઘઉંની નિકાસ પર મૂકેલા પ્રતિબંધનો બચાવ કર્યો હતો. સંગઠનના કેટલાક દેશોએ ભારતના વલણ સંબંધે ચિંતા જાહેર કરતાં ભારતે સ્પષ્ટતા કરી હતી. ગયા સપ્તાહે જીનીવામાં મળેલી બેઠકમાં અમેરિકા અને યુરોપીય સંગઠનના દેશોએ ભારતના આ નિર્ણય સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે ભારતના આ નિર્ણયને કારણે વિશ્વ બજાર પર વિપરીત અસર પડી શકે છે.

ભારતે સ્થાનિક ઉપલબ્ધતા વધારવા માટે ઘઉંની નિકાસ પર મે મહિનામાં પ્રતિબંધ મૂક્યો હતો. તે પછી વર્તમાન મહિનામાં સરકારે ખરીફ મોસમમાં ડાંગરના ઘટેલા વાવેતરને જોતાં સ્થાનિક પુરવઠો વધારવા માટે કણકી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકીને બાફેલા ચોખાને બાદ કરતાં બાકીના બિનબાસમતી ચોખાની નિકાસ પર 20 ટકા નિકાસ ડયૂટી લાદી હતી.

ભારતે પોતાના નિર્ણયનો બચાવ કરતાં જણાવ્યું હતું કે તાજેતરમાં અનાજની નિકાસ વધતાં સ્થાનિક બજારોમાં દબાણની સ્થિતિ સર્જાતાં સરકારે મરઘાબતકા ક્ષેત્રમાં વપરાતા કણકી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. તે જ પ્રમાણે અનાજ સુરક્ષાની ચિંતાઓ વધતાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ભારતે એમ પણ જણાવ્યું હતું કે ભારત દ્વારા લેવામાં આવેલા આ હંગામી પગલાં છે અને સતત આ નિર્ણયની સમીક્ષા થઇ રહી છે.સેનેગલ ભારતની કણકી અને ચોખાનો મોટો આયાતકર્તા દેશ છે.