ભારતે રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદી 35,000 કરોડની કમાણી કરી

September 19, 2022

યુક્રેન પર રશિયાના આક્રમણના કારણે ક્રૂડ ઓઈલના ભાવ માં જોરદાર ઉછાળો આવ્યો હતો અને એક તબક્કે ક્રૂડનો ભાવ 139 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો. જોકે, આ દરમિયાન ભારતે રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ ભાવે ક્રૂડની ખરીદી કરી હતી અને તેના કારણે અત્યાર સુધીમાં તેમાંથી રૂ. 35,000 કરોડની કમાણી કરી છે.

ક્રૂડના ભાવ વધ્યા ત્યારે સરકારે રિફાઈનરીઓ પર વિન્ડફોલ ટેક્સ પણ નાખ્યો હતો જેમાંથી જંગી કમાણી થઈ છે. રશિયા પાસેથી કોઈ દેશ ક્રૂડ ઓઈલ કે બીજી કોમોડિટી ન ખરીદે તે માટે અમેરિકા અને પશ્ચિમી દેશોનું દબાણ હોવા છતાં ભારતે મિત્ર દેશ પાસેથી ખરીદી કરી છે.

યુક્રેન યુદ્ધની શરૂઆત થતા જ પશ્ચિમી દેશોએ રશિયા પર ભારે પ્રતિબંધો લાદ્યા હતા. તેના કારણે રશિયા જે દેશને ક્રૂડ વેચતું હતું તેઓ હવે ક્રૂડ ખરીદવા તૈયાર ન હતા અને જે ટ્રેડર્સ પાસે ક્રૂડનો ભરાવો થયો હતો તેઓ નીચા ભાવે ક્રૂડ વેચવા તૈયાર હતા. ભારતે આ તક ઝડપી લઈને રશિયાનું સસ્તું ક્રૂડ ખરીદ્યું હતું.